મમતા બૅનરજીની ચૂંટણીપંચને ધમકી
મમતા બનર્જી
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ મુર્શિદાબાદના ડૅપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલની ટ્રાન્સફર કરવા બદલ ઇલેક્શન કમિશનની ટીકા કરી છે અને ૫૫ દિવસ માટે ભૂખ-હડતાળ પર જવાની ધમકી આપી છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાને એક રૅલીમાં જણાવ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઇશારે ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ECI)એ મુર્શિદાબાદના ડૅપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલની બદલી કરી નાખી છે. હવે જો મુર્શિદાબાદ અને માલદામાં રમખાણો થશે તો એની જવાબદારી ચૂંટણીપંચની રહેશે. BJP તોફાનો અને હિંસા ભડકાવવા પોલીસ-અધિકારીઓની બદલી કરવા માગે છે અને હવે જો હિંસા થશે તો એની જવાબદારી ECIની રહેશે.’ તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)નાં સુપ્રીમોએ ચૂંટણીપંચને ધમકી આપતાં કહ્યું કે જો હું ખેડૂતો માટે ૨૬ દિવસ ઉપવાસ કરી શકું છું તો ૫૫ દિવસ માટે તમારી ઑફિસની બહાર ભૂખ-હડતાળ પણ કરી શકું છું.