મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં પાંચ જાન્યુઆરી સુધી તમામ ભસ્મ-આરતીનું ઑનલાઇન બુકિંગ બંધ કરી દીધું છે. પહેલી જાન્યુઆરી માટે તો ઑફલાઇન બુકિંગ પણ નહીં થાય. દર્શનનો સમય સવારે ૪ વાગ્યાથી રાતે ૧૧ વાગ્યા સુધીનો રહેશે.
ગઈ કાલે વારાણસીના ઘાટ પર ગંગા આરતી વખતે હકડેઠઠ ભીડ.
અયોધ્યા-કાશીમાં બે કિલોમીટર લાંબી લાઇન છે : કાશી વિશ્વનાથ મહાદેવ સહિત અનેક પ્રખ્યાત મંદિરોમાં VIP દર્શનની લાઇનો બંધ કરી દેવામાં આવી છે : વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં મંદિર પ્રશાસને પાંચ જાન્યુઆરી સુધી ભક્તોને આવવાની ના પાડવી પડી : તિરુપતિ મંદિરમાં ઍડ્વાન્સ બુકિંગ બંધ થઈ ચૂક્યું છે
નવા વર્ષ પહેલાં કે નવા વર્ષ નિમિત્તે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનો ટ્રેન્ડ પણ હવે ખૂબ ફૂલ્યોફાલ્યો છે. એને કારણે દેશનાં પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોનો મહાસાગર ઊમટ્યો હોય એવા હાલ થયા છે. ઉત્તર પ્રદેશના વારાણસી, અયોધ્યા, મથુરામાં મહાકુંભ જેવી ભીડ ઊમટી છે. અયોધ્યામાં રામલલા અને કાશીમાં બાબા વિશ્વનાથનાં દર્શન માટે બે કિલોમીટર લાંબી લાઇન લાગી છે. અયોધ્યામાં રામ મંદિરનાં દર્શન માટે ૩ જાન્યુઆરી સુધીના તમામ VIP પાસ બુક થઈ ચૂક્યા છે અને નવા વર્ષની આરતીના સ્લૉટ્સ પણ બુક થઈ ગયા છે.
વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં એટલી ભીડ જમા થઈ ચૂકી છે કે મંદિર પ્રશાસને પાંચ જાન્યુઆરી સુધી વૃંદાવન ન આવવાની અપીલ કરવી પડી છે. રાધાની નગરી બરસાનાની મંદિર તરફ જતી ગલીઓમાં માણસોનો મહેરામણ ઊમટેલો છે.
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં પાંચ જાન્યુઆરી સુધી તમામ ભસ્મ-આરતીનું ઑનલાઇન બુકિંગ બંધ કરી દીધું છે. પહેલી જાન્યુઆરી માટે તો ઑફલાઇન બુકિંગ પણ નહીં થાય. દર્શનનો સમય સવારે ૪ વાગ્યાથી રાતે ૧૧ વાગ્યા સુધીનો રહેશે.
ADVERTISEMENT

આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરમાં પહેલી જાન્યુઆરી સુધીનું ઍડ્વાન્સ બુકિંગ ફુલ થઈ ગયું છે અને બુકિંગ વિના એન્ટ્રી નથી.
રાજસ્થાનના સીકરમાં આવેલા ખાટુ શ્યામજી મંદિરમાં દર્શન માટેની લાઇનમાં બેથી અઢી કલાક ઊભા રહ્યા પછી દર્શન થાય છે. ૩૧ ડિસેમ્બરે આ મંદિર આખી રાત દર્શન માટે ખુલ્લું રહેશે.
આંધ્ર પ્રદેશમાં તિરુપતિ મંદિરમાં આજથી વૈકુંઠ એકાદશી ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. જોકે પહેલી જાન્યુઆરી સુધી તે જ લોકોને દર્શન મળશે જેમની પાસે ઍડ્વાન્સ-બુકિંગ હશે અને એ ઍડ્વાન્સ-બુકિંગ બંધ થઈ ચૂક્યું છે. પહેલી જાન્યુઆરી સુધીનાં ૧.૮૯ લાખ ટોકન આપી દીધાં બાદ ટોકન-કાઉન્ટર પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ગયા વર્ષે મચેલી નાસભાગ જેવી ઘટનાઓને અટકાવવા માટે આ કદમ ઉઠાવાયું છે.

રાજસ્થાનના ખાટુ શ્યામજી મંદિરમાં થર્ટીફર્સ્ટની આખી રાત દર્શન ચાલુ રહેશે.
મહારાષ્ટ્રમાં શિર્ડીનું સાંઈબાબા મંદિર ૩૧ ડિસેમ્બરે આખી રાત ખુલ્લું રહેશે. એને કારણે રાતે દસ વાગ્યાની શેજા-આરતી અને સવારે થતી કાકડ-આરતી નહીં થાય. VIP દર્શન બંધ છે.
નવા વર્ષ નિમિત્તે શિર્ડીના સાંઈબાબા, સપ્તશૃંગી માતા, ખાટુ શ્યામજી, ઉજ્જૈનના મહાકાલ, બાબા બાલકનાથ અને બાંકે બિહારીનું મંદિર આખી રાત દર્શન માટે ખુલ્લું રહેશે.


