ફરિયાદ કરવા છતાં છેક સુધી કોઈ કાર્યવાહી ન થઈ
વારાણસીથી દિલ્હી જતી વંદે ભારત એક્સપ્રેસમાં વહ્યો જબરો જળધોધ
સોમવારે સવારે વારાણસીથી નવી દિલ્હી જવા માટે રવાના થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના C-7 કોચની છતમાંથી ધોધની જેમ પાણી ટપકતું રહ્યું હતું, પરંતુ ફરિયાદ પછી પણ કોઈ સુનાવણી કરવામાં આવી નહીં. મુસાફરોને મુશ્કેલીઓ વચ્ચે દિલ્હી સુધીનો પ્રવાસ કરવો પડ્યો હોવાથી તેમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ વંદે ભારત એક્સપ્રેસ સવારે ૬ વાગ્યે કૅન્ટ રેલવે સ્ટેશનથી ઊપડી હતી અને એ પ્રયાગરાજ પહોંચે એ પહેલાં જ C-7 કોચમાં સીટ નંબર ૭૬ પર અચાનક પાણી ટપકવા લાગ્યું હતું. આ ઘટના બાદ અચાનક કોચમાં ACએ કામ કરવાનું બંધ કરી દેતાં ઠંડક ઓછી થઈ ગઈ હતી. મુસાફરોએ આ વિશે કોચના ક્રૂ-મેમ્બરને ફરિયાદ કરતાં ખાતરી આપવામાં આવી કે એને આગામી સ્ટૉપ પર ઠીક કરવામાં આવશે. આમ છતાં દિલ્હી સુધી ક્યાંય પણ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નહીં.
ADVERTISEMENT
સીટ-નંબર ૭૬ પર મુસાફરી કરી રહેલા દર્શિલ મિશ્રાએ રેલવે-મદદમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ક્યાંય પણ સુનાવણી થઈ નહોતી. રેલવે-અધિકારીઓને ફોટો અને વિડિયો સાથે ટૅગ કરીને ફરિયાદો મોકલવામાં આવી હતી. કોચમાં રહેલા અન્ય મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે કોચમાં ઠંડક નથી અને ગરમી લાગે છે. દેશની આ સેમી-હાઈ સ્પીડ ટ્રેનમાં આટલું બધું ભાડું ચૂકવ્યા પછી પણ મુસાફરી મુશ્કેલી ભરી હતી.

