મ્યુઝિયમમાં લાઇટ ઍન્ડ સાઉન્ડ શો કે ફિલ્મ એક્ઝિબિશનના માધ્યમથી આ આંદોલનમાં રામભક્તોના પ્રયાસોને યાદ કરવામાં આવી શકે છે
ફાઇલ તસવીર
અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણ માટે જોરશોરથી કામગીરી કરવામાં આવી રહી છે. જાન્યુઆરીમાં એનું લોકાર્પણ થવાનું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાની સાથે એ લોકોને ટ્રિબ્યુટ આપવા માટે પણ પ્લાનિંગ કરી રહ્યું છે કે જેમણે શ્રીરામ મંદિરના આંદોલનમાં પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. તેમને ટ્રિબ્યુટ આપવા માટે ટ્રસ્ટની કેટલીક મીટિંગ્સમાં ચર્ચા કરવામાં આવી હોવાનું એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
આવી વ્યક્તિઓના નામે મૂર્તિઓ, સ્મારકો કે રસ્તાઓ અને ભવનોનાં નામ રાખવા જેવા ઑપ્શન્સ પર વિચાર કરવામાં આવ્યો છે. જોકે આખરે અયોધ્યામાં તૈયાર કરવામાં આવનારા શ્રીરામ મ્યુઝિયમમાં આવા તમામ રામભક્તોને સ્થાન આપવાની યોજના પર અંતિમ સંમતિ થઈ શકે છે.
ADVERTISEMENT
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ બાબતે ગંભીરતાથી વિચાર કર્યો છે. ટ્રસ્ટની મીટિંગ્સમાં કેટલાકે આ રામભક્તોની મૂર્તિઓ અનેક જગ્યાએ સ્થાપવાનું સજેશન આપ્યું હતું તો કોઈએ તેમના નામે અયોધ્યાના માર્ગો અને ચોકનું નામ રાખવાનું સજેશન આપ્યું હતું.
આ સજેશન્સને સ્વીકારવામાં સૌથી મોટી અડચણ એ છે કે શ્રીરામ મંદિર આંદોલનમાં પોતાના પ્રાણ ગુમાવનારા રામભક્તોની સંખ્યા વિશે ચોક્કસ જાણકારી નથી. વળી ૧૯૯૦ના દશકમાં ચાલેલા આંદોલન પહેલાંનાં આંદોલનમાં પોતાના પ્રાણ ગુમાવનારા લોકો વિશે જાણકારી મેળવવી મુશ્કેલ છે. વળી આવા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. એટલા માટે જ તેમની મૂર્તિઓ બનાવવાના વિચારને યોગ્ય ગણવામાં ન આવ્યો.
સૌથી વધુ સંમતિ એ વાતે રહી કે જેટલા પણ રામભક્તોએ શ્રીરામ મંદિરના નિર્માણ માટે પ્રાણ ગુમાવ્યા છે તેમને સંયુક્ત રીતે મ્યુઝિયમમાં સ્થાન આપવામાં આવે. લાઇટ ઍન્ડ સાઉન્ડ શો કે ફિલ્મ એક્ઝિબિશનના માધ્યમથી આ આંદોલનમાં રામભક્તોના પ્રયાસોને યાદ કરવામાં આવી શકે છે.


