મિસ યુનિવર્સ ઇન્ડિયામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે
જૅકિલિન પ્રધાન
૨૧ વર્ષની ટ્રાન્સજેન્ડર મહિલા જૅકિલિન પ્રધાન મિસ યુનિવર્સ સિક્કિમનો તાજ જીતનારી પહેલી ટ્રાન્સજેન્ડર મહિલા બની છે અને તે હવે મિસ યુનિવર્સ ઇન્ડિયા સ્પર્ધામાં સિક્કિમનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે.
જોરેથાંગની રહેવાસી જૅકિલિન પ્રધાને આ તાજ જીત્યા બાદ કહ્યું હતું કે ‘મેં ક્યારેય હાર માની નહોતી. મેં આશાના કિરણને પકડી રાખ્યું હતું અને એ આશાએ ઇતિહાસ રચ્યો છે. છેલ્લાં ૯ વર્ષથી આ મારું સપનું રહ્યું છે. મિસ સિક્કિમ વાસ્તવિકતામાં ફેરવાઈ ગઈ છે અને મને મારા પર અને મારા સમુદાય પર ખૂબ ગર્વ છે. આ ફક્ત જીત કરતાં વધુ છે. આ LGBTQ+ (લેસ્બિયન, ગે, બાઇસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વિઅર, ઇન્ટરસેક્સ, અસેક્સ્યુઅલ ઍન્ડ અધર્સ) સમુદાય માટે ગર્વની ક્ષણ છે, પ્રતિનિધિત્વનો વિજય છે અને એક શક્તિશાળી યાદ અપાવે છે કે હિંમત રાખો તો સમય સાથ આપે છે. હું ફક્ત મારા સમુદાયનું જ નહીં, સિક્કિમની સમગ્ર મહિલાઓનું પ્રતિનિધિત્વ કરું છું.’
જૅકિલિનને સ્કૂલમાં ગુંડાગીરીનો ભોગ બનવું પડ્યું હતું. એને કારણે તેની સ્ટડીને પણ અસર થઈ હતી. ૨૦૧૬થી તે આ સ્પર્ધાનું સપનું જોતી રહી હતી. જોકે જૅકિલિનની આ સફર સરળ નહોતી, પરંતુ એ રોકી ન શકાય એવી હતી. તેના પ્રેમાળ પિતા એલ. એમ. પ્રધાન અને માતા પ્રિસેલા ગુરુંગના અવિરત સમર્થન અને ઉગ્ર નિશ્ચયથી ભરેલા હૃદયથી જૅકિલિને એક અઠવાડિયા લાંબી સ્પર્ધામાં ૪૫ સ્પર્ધકોને પાછળ છોડી દીધા હતા અને તાજ પોતાના નામે કર્યો હતો. તે મૉડલિંગ કરવાની પણ ઇચ્છા ધરાવે છે. સ્પર્ધામાં ભાગ લેવા તેણે બે વર્ષ પહેલાં સર્જરી કરાવી હતી અને તેને હવે મહિલા માનવામાં આવે છે.
મિસ યુનિવર્સ સ્પર્ધાઓમાં ટ્રાન્સજેન્ડર ભાગીદારી દુર્લભ છે. ગયા વર્ષે નવ્યા સિંહ મિસ યુનિવર્સ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લેનારી પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા બની હતી.


