ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળના ૪૪મા સંમેલનમાં વેપારીઓએ ઉકળાટ ઠાલવ્યો : ૨૮ રાજ્યોના વેપારી પ્રતિનિધિઓ જોડાયા સંમેલનમાં
ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળના રાષ્ટ્રીય સંમેલનમાં હાજર રહેલા (ડાબેથી) ગ્રોમાના ઉપાધ્યક્ષ અમૃતલાલ જૈન, ફામના જિતેન્દ્ર શાહ, ગ્રોમાના અધ્યક્ષ ભીમજી ભાનુશાલી, કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલ અને રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડના સભ્ય સતીશ ચૌહાણ.
સરકાર વોકલ ફૉર લોકલની મોટી-મોટી વાતો કરે છે, પણ વેપારીઓને પડતી મુશ્કેલીઓ આજે પણ યથાવત્ છે જેનો ઉકેલ સરકાર પાસે નથી. સરકાર જે નિઃશુલ્ક અનાજ-વિતરણ કરે છે એમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની નોંધ લેવાતી નથી. ઑનલાઇન બિઝનેસને કારણે નાના વેપારીઓની વધી રહેલી હાલાકી, ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST), ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) અને પ્લાસ્ટિક બૅગને કારણે વધી રહેલી હેરાનગતિ દૂર થતી નથી.
આવી અનેક સમસ્યાઓ પર રવિવારે દિલ્હીમાં ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળના ૪૪મા રાષ્ટ્રીય સંમેલનમાં ચર્ચાવિચારણા કરવામાં આવી હતી તેમ જ વેપારીઓએ સરકારી નીતિ સામે અવાજ ઉઠાવ્યો હતો. આ સંમેલનમાં વેપારીઓએ નિર્ણય લીધો હતો કે જો સરકાર વહેલી તકે આ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જશે તો નજીકના ભવિષ્યમાં દિલ્હીના રામલીલા મેદાનમાં તેઓ વિરોધ-પ્રદર્શન કરશે. આ સંમેલનમાં ભારતભરનાં ૨૮ રાજ્યોના વેપારી પ્રતિનિધિઓ અને સેંકડો વેપારીઓએ હાજરી આપી હતી.
ADVERTISEMENT
આ સંમેલનમાં ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્રના અધ્યક્ષ જિતેન્દ્ર શાહે કહ્યું હતું કે ‘સરકાર ફક્ત ઈઝ ઑફ ડૂઇંગની વાતો કરે છે, પણ વેપારીઓએ આજે પણ ૧૦૦ પ્રકારની પ્રોસીજરમાંથી પસાર થવું પડે છે. વેપારીઓની ઉઘરાણી ફસાઈ ન જાય એ માટે સરકારે કોઈ કાર્યવાહી કરવી જોઈએ કે કાયદો ઘડવો જોઈએ. વેપારીઓએ એકતા દાખવીને પોતાની સમસ્યાઓની અને માગણીઓ વિશે સરકાર સમક્ષ રજૂઆત કરવી જ પડશે.’
ધ ચૅમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડના અધ્યક્ષ મોહન ગુરનાણીએ જણાવ્યું હતું કે ‘ઑનલાઇન વેપાર અને એને કારણે રીટેલ વેપારીઓના ધંધા ખતરામાં પડે છે જે અંગે યોગ્ય કાયદો ઘડવાની રજૂઆત અનેક વાર કરવામાં આવ્યા પછી પણ ઑનલાઇન માટે રેગ્યુલેટિંગ ઍક્ટ લગાડવામાં સરકાર નિષ્ફળ ગઈ છે.’

ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન(GROMA-ગ્રોમા)ના અધ્યક્ષ ભીમજી ભાનુશાલીએ કહ્યું હતું કે ‘સરકાર વોકલ ફૉર લોકલ અને આત્મનિર્ભર ભારતની વાતો કરે છે, પરંતુ વેપારીઓને પડતી મુશ્કેલીઓનો આજ સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી. સરકાર લાખો રૂપિયાનું અનાજ નિઃશુલ્ક વિતરિત કરે છે, પણ એમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે પગલાં લેવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. અમે આ બાબતમાં લેખિત અને રૂબરૂ અનેક વાર રજૂઆત કરી છે કે જરૂરિયાતમંદોના બૅન્કમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરો, પણ સરકાર વેપારીઓની આ માગણીઓ પર દુર્લક્ષ સેવી રહી છે.’
આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલ, રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડના અધ્યક્ષ સુનીલ સિંઘી, સંસદસભ્ય રમેશ અવસ્થી, સાધના સિંહ વગેરેએ હાજરી આપી હતી તેમ જ પ્રધાનોએ વેપારીઓની માગણીઓ વિશે વહેલી તકે યોગ્ય કરવાનું આશ્વાસન આપ્યું હતું. વેપારીઓને GST, FSSAI, પ્લાસ્ટિક બૅગ વગેરેને કારણે ભોગવવી પડતી હેરાનગતિ દૂર કરવા તેઓ યોગ્ય કાર્યવાહી કરશે એમ કહ્યું હતું.
સંમેલનના અંતમાં વેપારી પ્રતિનિધિઓ તથા વેપારીઓની સમસ્યાઓ અને માગણીઓની રજૂઆતોની નોંધ લીધા પછી ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળના અધ્યક્ષ બાબુલાલ ગુપ્તાએ હાકલ કરી હતી કે જો સરકાર વેપારીઓની સમસ્યાઓે અને માગણી તરફ ધ્યાન આપવામાં હજી પણ નિષ્ફળ જશે તો ભારતભરના વેપારીઓ નજીકના ભવિષ્યમાં દિલ્હીના રામલીલા મેદાનમાં વિરોધ-પ્રદર્શન કરશે.


