તમામ પૅસેન્જર્સ અને ઍરપોર્ટ-કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઑથોરિટી અલર્ટ થઈ ગઈ છે
વડોદરા વિમાન મથક
મંગળવારે ભારતભરનાં ૪૦ જેટલાં ઍરપોર્ટને બૉમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ અલર્ટ થઈ ગઈ હતી. તમામ ઍરપોર્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. બૉમ્બની ધમકીને પગલે અમુક ફ્લાઇટ્સમાં પણ વિલંબ થયો હતો.
બ્યુરો ઑફ સિવિલ એવિયેશન સિક્યૉરિટી (BCAS)ના હેડ ક્વૉર્ટરના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી દુબઈ જતી ફ્લાઇટને ઈ-મેઇલ દ્વારા બૉમ્બની ધમકી મળી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લગભગ ૧૨.૪૦ વાગ્યે ભારતભરનાં ૪૦ ઍરપોર્ટને આવી જ ધમકી મળી હતી. કોઇમ્બતુરમાં ધમકીની ઈ-મેઇલ મળી હતી, પણ ફ્લાઇટ સર્વિસ પ્રભાવિત થઈ નહોતી. બૉમ્બ ડિટેક્શન ઑન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ (BDDS) ટીમ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ની સ્નિફર ડૉગ સ્ક્વૉડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું, પણ કંઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી. બૉમ્બની ધમકી મળતાં ચેન્નઈ-દુબઈ એમિરેટ્સ ફ્લાઇટ બે કલાક મોડી પડી હતી.’
ADVERTISEMENT
અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે ‘પટના ઍરપોર્ટ અને જયપુર ઍરપોર્ટને પણ બૉમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. સિક્યૉરિટી એજન્સીએ ઍરપોર્ટમાં સુરક્ષા વધારી દીધી હતી. જોકે કોઈ પણ ઍરપોર્ટમાં શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. વડોદરા ઍરપોર્ટ પર બપોરના સમયે બૉમ્બની ધમકી મળ્યા બાદ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તમામ પૅસેન્જર્સ અને ઍરપોર્ટ-કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઑથોરિટી અલર્ટ થઈ ગઈ છે. આ મામલે હજી સુધી નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

