સરકારની મીડિયાને ચેતવણી - આર્મીની કાર્યવાહીનું લાઇવ ટેલિકાસ્ટ બંધ કરો
પ્રતીકાત્મક તસવીર
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં ટ્રેકિંગ પ્રવૃત્તિ આગલા આદેશ સુધી સુધી રોકી દેવામાં આવી છે. તમામ ટ્રેકિંગ પરમિટ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓએ પહેલેથી જ પહલગામના ચંદનવારી, અરુ, બેતાબ ઘાટી અને બૈસરન વૅલી સહિત ઉપરના વિસ્તારોમાં ટૂરિસ્ટો અને ટ્રેકર્સની આવન-જાવન પર રોક લગાવી દીધી છે. પહલગામના તમામ પહાડો પર આવેલા ટ્રેકિંગ રૂટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે. દર વર્ષે ઉનાળાની રજાઓમાં હજારોની સંખ્યામાં ટ્રેકર્સ આ વિસ્તારોમાં આવતા હતા, કારણ કે ત્યારે પહાડો પરથી બરફ પીગળી જતો હોવાથી ટ્રેકિંગના રસ્તા ખુલ્લા થઈ જાય છે. ઉત્તરાખંડની સરખામણીમાં આ ટ્રેક કુદરતી આફતોના મુદ્દે વધારે સુરક્ષિત માનવામાં આવે છે. તારસર માર્સર લેક, નફરાન વૅલી ટ્રેક, દૂધપથરી ટ્રેક પહલગામથી આગળ વધે છે. આ કાશ્મીરનો સૌથી વ્યસ્ત અને ચર્ચિત ટ્રેક મનાય છે. આ નિર્ણયને કારણે સ્થાનિક ગાઇડ્સ, પોર્ટર્સ, હોમસ્ટે માલિકો, દુકાનદારો અને હોટેલમાલિકોને મોટું નુકસાન થવાની ધારણા છે.
સરકારની મીડિયાને ચેતવણી ઃ આર્મીની કાર્યવાહીનું લાઇવ ટેલિકાસ્ટ બંધ કરો
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શનિવારે દેશની મીડિયા-ચૅનલોને સંરક્ષણ-અભિયાન અને સુરક્ષાદળની હિલચાલનું સીધું પ્રસારણ કરવાનું ટાળવાની સલાહ આપી છે અને કહ્યું છે કે આ પ્રકારના રિપોર્ટિંગથી અજાણતાં દુશ્મનોને મદદ મળી શકે છે. રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં તમામ મીડિયા પ્લૅટફૉર્મ, સમાચાર એજન્સી અને સોશ્યલ મીડિયા યુઝર્સને સલાહ આપવામાં આવી છે કે રક્ષા અને અન્ય સુરક્ષાસંબંધિત અભિયાનસંબંધિત મામલે રિપોર્ટિંગ કરતા સમયે જવાબદારીનું ધ્યાન રાખો અને કાયદાનું કડકાઈથી પાલન કરો. સંરક્ષણ-અભિયાન અથવા સુરક્ષાદળની ગતિવિધિ સાથે જોડાયેલું કોઈ પણ કવરેજ, દૃશ્ય-પ્રસારણ અથવા સ્રોતથી પ્રાપ્ત જાણકારી આધારિત રિપોર્ટિંગ ન કરવું જોઈએ, એમ સરકારે કહ્યું છે. સંવેદનશીલ જાણકારીનો સમય પહેલાં ખુલાસો દુશ્મનોની મદદ કરી શકે છે અને એનાથી ઑપરેશનલ પ્રભાવશીલતા અને સુરક્ષાકર્મીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.’
આતંકવાદી સંગઠન TRF થથરી ગયું ઃ પહેલાં હુમલાની જવાબદારી લીધી અને હવે કર્યો ઇનકાર
પહલગામ આતંકવાદી હુમલા બાદ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ એની જવાબદારી લીધી હતી, પરંતુ હવે એણે પલટી મારી છે. TRF એ લશ્કર-એ તય્યબાનું જ એક ગ્રુપ છે અને સૌથી પહેલાં લશ્કરે આ ઘટનામાં પોતાની સંડોવણીનો ઇનકાર કર્યો હતો અને હવે TRF દ્વારા પણ આ હુમલાની જવાબદારી લેવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.TRFએ પોતાની એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘પહલગામમાં હુમલાની તરત બાદ અમારા ડિજિટલ પ્લૅટફૉર્મથી ખોટો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. તપાસ બાદ જાણવા મળ્યું કે આ સાઇબર અટૅકના કારણે કરવામાં આવેલી પોસ્ટ હતી. અમે આ વિશે તપાસ કરી રહ્યા છીએ.’ પહલગામ હુમલા બાદ લશ્કર-એ-તય્યબાના ડેપ્યુટી કમાન્ડર સૈફુલ્લાહ કસૂરીએ વિડિયો જાહેર કરીને આ આતંકવાદી હુમલા માટે પોતાને જવાબદાર માનવાનો ઇનકાર કર્યો હતો. તેણે આ હુમલાની ટીકા કરી અને કહ્યું હતું કે આ હુમલો અમે નથી કર્યો અને એની સાથે અમારે કોઈ લેવાદેવા નથી.


