અમેરિકન નાગરિકની કલકત્તા ઍરપોર્ટ પરથી ઇમિગ્રેશન બ્યુરો દ્વારા અટકાયત કરવામાં આવી હતી
ધરપકડ કરાયેલા કહેવાતા આતંકવાદીઓ
નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ કરવાનું કાવતરું ઘડવાના આરોપમાં ૭ વિદેશી નાગરિકોની ધરપકડ કરીને એક મોટા આંતરરાષ્ટ્રીય આતંકી ષડ્યંત્રનો પર્દાફાશ કર્યો છે. ધરપકડ કરાયેલા કહેવાતા આતંકવાદીઓ પૈકી ૬ યુદ્ધગ્રસ્ત યુક્રેનિયન નાગરિકો છે અને એક અમેરિકન નાગરિકનો સમાવેશ થાય છે.
અમેરિકન નાગરિકની કલકત્તા ઍરપોર્ટ પરથી ઇમિગ્રેશન બ્યુરો દ્વારા અટકાયત કરવામાં આવી હતી, જ્યારે અન્ય ૩ યુક્રેનિયન નાગરિકોની લખનઉથી અને બાકીના ૩ યુક્રેનિયન નાગરિકોની દિલ્હી ઍરપોર્ટથી ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ વિદેશી નાગરિકો માન્ય વીઝા પર ભારતમાં પ્રવેશ્યા હતા, પરંતુ જરૂરી રિસ્ટ્રિક્ટેડ એરિયા પરમિટ વિના મિઝોરમ ગયા હતા. ત્યાંથી તેઓ સરહદ ઓળંગીને મ્યાનમાર પહોંચ્યા હતા જ્યાં તેમણે ભારતવિરોધી વંશીય સશસ્ત્ર જૂથોનો સંપર્ક કર્યો હતો. NIA સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ જૂથ યુરોપથી ડ્રોનના મોટા જથ્થા મિઝોરમ મારફત મ્યાનમાર પહોંચાડવામાં સામેલ હતું. આ ડ્રોનનો ઉપયોગ ભારતવિરોધી સશસ્ત્ર જૂથો અને પ્રતિબંધિત ભારતીય વિદ્રોહી સંગઠનોને હથિયાર અને તાલીમ પૂરી પાડવા માટે થવાનો હતો.
આરોપીઓને દિલ્હીની પટિયાલા હાઉસ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. વધારાના સેશન્સ ન્યાયમૂર્તિ પ્રશાંત શર્માએ આ મામલાની ગંભીરતાને જોતાં આરોપીઓને આગામી ૨૭ માર્ચ સુધી NIAની કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. અદાલતે નોંધ્યું હતું કે પુરાવા એકત્ર કરવા, ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરવા અને આરોપીઓના મોબાઇલ ડેટાના વિશ્લેષણ માટે પોલીસ-કસ્ટડી જરૂરી છે.
