કર્નલ સોફિયા કુરેશી વિશે બફાટ કરનારા મધ્ય પ્રદેશના મિનિસ્ટર વિજય શાહની માફી ફગાવી દીધી સુપ્રીમ કોર્ટે, જોકે ધરપકડ સામે રાહત આપીને તપાસ માટે ત્રણ સભ્યોની SIT નીમી
કર્નલ સોફિયા કુરેશી, વિજય શાહ
મધ્ય પ્રદેશના કૅબિનેટ પ્રધાન વિજય શાહે આર્મીનાં કર્નલ સોફિયા કુરેશી વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન પર સુપ્રીમ કોર્ટે ફરી એક વાર કડક વલણ અપનાવીને તેમની માફી નામંજૂર કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેટલીક વાર લોકો કાર્યવાહીથી બચવા માટે જ નમ્ર ભાષાનો ઉપયોગ કરે છે. જોકે સુપ્રીમ કોર્ટે વિજય શાહની ધરપકડ સામે રોક લગાવી હતી અને આ કેસની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ વિશેષ તપાસ-ટીમમાં એક મહિલા અધિકારી સહિત ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)ના ત્રણ અધિકારીઓનો સમાવેશ થશે. આ અધિકારીઓ મધ્ય પ્રદેશની બહારના રહેશે. આ સમિતિનું ગઠન આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં થશે અને એ ૨૮ મેએ એનો સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સુપરત કરશે.
વિજય શાહે ઑપરેશન સિંદૂર દરમ્યાન પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સેનાની કાર્યવાહી વિશે મીડિયાને સચોટ માહિતી આપનાર કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું. આ કેસમાં સુપ્રીમ કોર્ટે પ્રધાન વિજય શાહની માફી ફગાવી દીધી છે તેમ જ સુનાવણી દરમ્યાન વિજય શાહને ઠપકો આપ્યો છે.
ADVERTISEMENT
આ કેવા પ્રકારની માફી છે?
સુપ્રીમ કોર્ટમાં વિજય શાહના વકીલ મનિન્દર સિંહે કહ્યું હતું કે પ્રધાને માફી માગી લીધી છે ત્યારે જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે ‘આ કેવા પ્રકારની માફી છે. તમે એક જાહેર વ્યક્તિ છો, બોલતી વખતે તમારા શબ્દોનું ધ્યાન રાખો. અમને માફીની જરૂર નથી, આ અવમાનના નથી. અમે કાયદા મુજબ એનો સામનો કરી શકીએ છીએ. તમે કોર્ટમાં આવી રહ્યા છો એટલે માફી માગી રહ્યા છો.’
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
તમે એક જાહેર વ્યક્તિ અને અનુભવી રાજકારણી છો અને તમારે તમારા શબ્દો પર વિચાર કરવો જોઈએ.
અમને તમારી પાસેથી આવી માફી નથી જોઈતી. તમે પહેલાં ભૂલ કરો છો અને પછી કોર્ટમાં આવો છો.
આપણે અહીં વિડિયો ચલાવવો જોઈએ. આ સશસ્ત્ર દળો માટે ભાવનાત્મક સમય છે અને તમારે જવાબદાર રહેવું જોઈએ. અમને અમારાં સશસ્ત્ર દળો પર ગર્વ છે અને તેઓ સૌથી આગળ છે. ઓછામાં ઓછું આપણે આ તો કરી શકીએ છીએ.
પ્રધાનના નિવેદનથી સમગ્ર રાષ્ટ્ર શરમ અનુભવે છે અને પ્રધાને યોગ્ય માફી માગીને અથવા માફી માગીને ખેદ વ્યક્ત કરીને પોતાને સાચા સાબિત કરવા જોઈતા હતા.
આપણે એક એવો દેશ છીએ જે કાયદાના શાસનનું પાલન કરે છે અને એ ઉચ્ચતમ સ્તરથી નીચલા સ્તર સુધી સમાન છે.
શું બોલેલા વિજય શાહ?
વિજય શાહે જે બફાટ કર્યો એનો મતલબ એવો થતો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓ સામેની કાર્યવાહીની દેશને માહિતી આપવા તેમની જ બહેન જેવી કર્નલ સોફિયા કુરેશીની પસંદગી કરી છે.
તમે એક જવાબદાર રાજકારણી છો, તમારે વિચારીને બોલવું જોઈએ; પણ તમે ખૂબ જ ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો છે.
અમે આ બાબત પર નજીકથી નજર રાખીશું. તમે જે કંઈ પણ કહો છો એનાં પરિણામો તમારે ભોગવવાં પડશે.


