બિહારમાં ૬૫ લાખ મતદારોનાં નામ રદ કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટનો ઇલેક્શન કમિશનને આદેશ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ઇલેક્શન કમિશનને સૂચના આપી હતી કે તેમણે બિહારની મતદારયાદીમાંથી કાઢી નાખેલાં નામોની વિગતો પબ્લિશ કરવી જોઈએ. ઇલેક્શન કમિશને બિહારમાં મતદારયાદીની ચકાસણી પછી ૬૫ લાખ મતદારોનાં નામ તેમને મૃત્યુ પામેલા, બીજે રહેવા ગયેલા કે ગુમ થયેલા જાહેર કરીને રદ કર્યાં હતાં. જોકે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘કાઢી નાખવામાં આવેલાં નામો વિશે પારદર્શિતા હોય એ જરૂરી છે. દૂર કરવામાં આવેલાં ૬૫ લાખ નામોની વિગતો અને યાદી એ રીતે પબ્લિશ કરો જેથી લોકો એમાં પોતાનું નામ સહેલાઈથી શોધી-વાંચી શકે અને નામ કૅન્સલ થવાનું કારણ જાણી શકે.’
ચૂંટણીપંચે કોર્ટમાં આપેલા જવાબમાં જણાવ્યું હતું કે પંચે મૃત્યુ પામેલા મતદારોનાં નામોની યાદી અને એકથી વધારે વોટર આઇડી કાર્ડ ધરાવતા મતદારોનાં નામોની યાદી રાજકીય પક્ષોને પણ આપી છે. જે મતદારો કાયમી ધોરણે બીજે શિફ્ટ થઈ ગયા છે તેમનાં નામની યાદી પણ રાજકીય પક્ષોને આપી હોવાનું ચૂંટણીપંચે કહ્યું હતું.


