૨૦૧૯માં પહેલા બે તબક્કામાં ૨૦.૬ કરોડ લોકોએ મતદાન કર્યું હતું, પણ ૨૦૨૪માં આ બે તબક્કામાં ૨૦.૭ કરોડ લોકોએ મતદાન કર્યું છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણીના પહેલા બે તબક્કામાં મતદાનની ટકાવારી ઘટી છે એમ અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે, પણ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે હકીકતમાં ૨૦૧૯ની સરખામણીમાં વધારે મતદારોએ મતદાન કર્યું છે. ટકાવારીમાં ભલે મતદાન ઓછું દેખાય, પણ હકીકતમાં ૨૦૧૯ કરતાં વધારે મત પડ્યા છે.
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI) રિસર્ચના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૯ની સરખામણીમાં આ વખતે ૮.૭ લાખ મતદારોએ વધુ મતદાન કર્યું છે અને આમ ૦.૪ ટકા વધારે મત પડ્યા છે.
ADVERTISEMENT
૨૦૧૯માં પહેલા બે તબક્કામાં ૨૦.૬ કરોડ લોકોએ મતદાન કર્યું હતું, પણ ૨૦૨૪માં આ બે તબક્કામાં ૨૦.૭ કરોડ લોકોએ મતદાન કર્યું છે. આમ કુલ ૮.૭ લાખ મતદારોએ વધારે મતદાન કર્યું છે. વળી આ ૮.૭ લાખ મતદારો પૈકી ૭૦ ટકા મતદારો ૪૨ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામત બેઠકોના છે.
૨૦૧૯માં પહેલા તબક્કાથી સાતમા તબક્કા સુધીમાં મતદાનની ટકાવારી ઘટાડાતરફી હતી. પહેલા તબક્કામાં ૬૯.૪ ટકા અને છેલ્લા તબક્કામાં ૬૧.૭ ટકા મતદાન થયું હતું અને સરેરાશ મતદાન ૬૭.૭ ટકા રહ્યું હતું. ૨૦૨૪માં પહેલા તબક્કામાં ૬૬.૧ ટકા અને બીજા તબક્કામાં ૬૬.૭ ટકા મતદાન થયું છે. જોકે ૨૦૧૯ની સરખામણીમાં આ
મતદાન ટકાવારીના ધોરણે ૩.૧ ટકા જેટલું ઘટ્યું છે.
આજે ત્રીજા તબક્કાના મતદાન બાદ દેશમાં લગભગ અડધોઅડધ લોકસભા મતદાર સંઘોમાં મતદાન થઈ જશે. પહેલા બે તબક્કામાં ૧૯૧ મતદાર સંઘોમાં મતદાન થયું છે. કર્ણાટકમાં સૌથી વધારે મતદાન થયું છે અને એના પછી આસામ અને મહારાષ્ટ્રનો નંબર છે. બારીકીથી જોવામાં આવે તો ૮૫ મતદારસંઘોમાં ૨૦૧૯ કરતાં એક લાખથી વધારે મતદારોએ મતદાન કર્યું છે. પચીસ મતદારસંઘોમાં ૨૦૧૯ જેવી જ પરિસ્થિતિ રહી છે.

