રશિયાના ટોચના સુરક્ષા અધિકારીઓએ પરમાણુ યુદ્ધના જોખમ વિશે ચેતવણી આપી હતી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધરપકડની ધમકી આપવા બદલ જર્મન પ્રધાનની ટીકા કરતાં કહ્યું હતું કે આવી કાર્યવાહી જર્મની સામે યુદ્ધ કરવાની રશિયાને ફરજ પાડશે.

પ્રતિકાત્મક તસવીર
મૉસ્કો (એ.પી.) ઃ રશિયાના ટોચના સુરક્ષા અધિકારીઓએ પરમાણુ યુદ્ધના જોખમ વિશે ચેતવણી આપી હતી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધરપકડની ધમકી આપવા બદલ જર્મન પ્રધાનની ટીકા કરતાં કહ્યું હતું કે આવી કાર્યવાહી જર્મની સામે યુદ્ધ કરવાની રશિયાને ફરજ પાડશે. રશિયાની સિક્યૉરિટી કાઉન્સિલના ડેપ્યુટી સેક્રેટરી ૫૭ વર્ષના દિમિત્રી મેદવેદેવે જણાવ્યું હતું કે પશ્ચિમી દેશો સાથેના રશિયાના સંબંધો બહુ જ ખરાબ સ્થિતિમાં છે. પરમાણુ યુદ્ધનો ખતરો ઓછો થયો છે એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ના, ખરેખર તો એ વધ્યો છે. રોજ યુક્રેનને વિદેશી શસ્ત્રો આપવામાં આવતાં એ ખતરો વધે છે. ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા યુક્રેનમાંથી હજારો બાળકોના અપહરણના કથિત આરોપ માટે પુતિન સામે ધરપકડના વૉરન્ટને તેમણે ગેરકાયદે ગણાવતાં કહ્યું હતું કે આના કારણે અમારા સંબંધો વધુ બગડ્યા છે. મેદવેદેવે જર્મનીના કાયદાપ્રધાન માર્કોબુશમેનની ટીકા કરી હતી, જેમણે કહ્યું હતું કે જો પુતિન જર્મનીની મુલાકાત લેશે તો તેમની ધરપકડ કરવામાં આવશે.