પેન્શનના નવા કાયદાને કાળો કાયદો ગણાવીને જૂની પેન્શન સ્કીમ ફરી લાગુ કરવાની માગણી લઈને કરશે ૭ દિવસની ભૂખહડતાળ
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF) અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) જેવાં અર્ધલશ્કરી દળોના નિવૃત્ત જવાનો જૂની પેન્શન સ્કીમ ફરીથી લાગુ કરવાની માગણી સાથે ૧૨ નવેમ્બરથી જંતર મંતર પર આંદોલન કરવાના છે. ઑલ એક્સ-પૅરામિલિટરી ફોર્સિસ વેલ્ફેર અસોસિએશનના નેજા હેઠળ જંતર મંતર પર ભૂખહડતાળની જાહેરાત કરવામાં આવી છે. CAPF, CISF અને અન્ય કેન્દ્રીય દળોના ભૂતપૂર્વ જવાનો અને કર્મચારીઓ આ વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેશે.
આ વિરોધ-પ્રદર્શનનું મુખ્ય કારણ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (જનરલ ઍડ્મિનિસ્ટ્રેશન) ઍક્ટ, 2026 છે જે ૯ એપ્રિલથી અમલમાં આવ્યો હતો. સંગઠન આ કાયદાને રદ કરવાની, ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) પુનઃ સ્થાપિત કરવાની અને CAPFમાં ડેપ્યુટેશન પર ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારીઓની ભૂમિકા વધારવાની માગણી કરી રહ્યું છે. સંગઠનનો આરોપ છે કે સરકાર લાંબા સમયથી તેમની માગણીઓની અવગણના કરી રહી છે.
ADVERTISEMENT
આ સંદર્ભમાં ઑલ એક્સ-પૅરામિલિટરી ફોર્સિસ વેલ્ફેર અસોસિએશનના સેક્રેટરી રણબીર સિંહે જણાવ્યું હતું કે ‘સંગઠને વારંવાર સરકારનું ધ્યાન તેમની માગણીઓ તરફ દોરવાનો પ્રયાસ કર્યો છે. જોકે કોઈ નક્કર કાર્યવાહી ન થતાં ભૂખહડતાળ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.’
રણબીર સિંહે નવા કાયદાને કાળો કાયદો ગણાવીને એને રદ કરવાની માગણી કરી છે.
