Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > RBIએ ડિજિટલ પેમેન્ટને સાઇબર ફ્રૉડથી બચાવવા સૂચવ્યા પાંચ ઉપાય

RBIએ ડિજિટલ પેમેન્ટને સાઇબર ફ્રૉડથી બચાવવા સૂચવ્યા પાંચ ઉપાય

Published : 11 April, 2026 01:38 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦,૦૦૦ રૂપિયાથી વધુની રકમનું ઑનલાઇન પેમેન્ટ એક કલાક હોલ્ડ પર રહેશે જેથી યુઝર્સને ટ્રાન્ઝૅક્શન કૅન્સલ કરવાની તક મળે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) કે અન્ય ઑનલાઇન પેમેન્ટ વિકલ્પો દ્વારા ચુકવણી કરતી વખતે સિક્યૉરિટી વધારવા માટે પાંચેક નવા નિયમોનું સૂચન કર્યું છે. એમાંથી એક મહત્ત્વનું સૂચન છે ૧૦,૦૦૦ રૂપિયાથી વધુની રકમની ચુકવણીમાં ફ્રૉડ રોકવા માટે એક કલાકનો હોલ્ડિંગ પિરિયડ ઉમેરવો.

RBIએ મૂકેલા પ્રસ્તાવ મુજબ જો કોઈ વ્યક્તિ ૧૦,૦૦૦ રૂપિયાથી વધુનું પેમેન્ટ અકાઉન્ટ-ટુ-અકાઉન્ટ ટ્રાન્સફર કરે તો બૅન્ક એ ટ્રાન્ઝૅક્શનને તરત જ પ્રોસેસ કરવાને બદલે એક કલાક હોલ્ડ કરી શકે છે. આ દરમ્યાન ગ્રાહક પાસે ટ્રાન્ઝૅક્શનને કૅન્સલ કરવાનો ઑપ્શન પણ રહેશે.



કેમ આ નિયમ લાવવો જરૂરી?


ભારતમાં ડિજિટલ ફ્રૉડના કેસ ખૂબ તેજીથી વધી રહ્યા છે. ૨૦૨૧માં જ્યાં ૨.૬ લાખ કેસ હતા એની સરખામણીએ ૨૦૨૫માં ફ્રૉડ કેસની સંખ્યા ૨૮ લાખની થઈ ગઈ છે. ફ્રૉડની રકમ ૫૫૧ કરોડથી વધીને ૨૨,૯૩૧ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. RBIનું માનવું છે કે મોટા ભાગે ફ્રૉડ ટેક્નિકલ નથી હોતાં, પરંતુ ઠગો દ્વારા ફોન કે મેસેજના માધ્યમથી ડરાવીને કે લાલચમાં ફસાવીને લોકો પાસેથી પૈસા ટ્રાન્સફર કરાવાય છે. એવામાં જો ટ્રાન્ઝૅક્શન પૂરું થવામાં થોડો સમય આપવામાં આવે તો લોકો સમજી-વિચારીને નિર્ણય લે અને ફ્રૉડથી બચી શકે છે.

કયા ટ્રાન્ઝૅક્શન પર એની અસર નહીં?


દુકાનો પર વેપારીઓને થતું પેમેન્ટ, ઈ-મૅન્ડેટ, નૅશનલ ઑટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) ટ્રાન્ઝૅક્શન, ચેક પેમેન્ટ ઉપરાંત ગ્રાહક જે-જે લોકોને ભરોસાપાત્ર ‘વાઇટલિસ્ટ’માં ઉમેરે તો પેમેન્ટમાં એક કલાકનો હોલ્ડ નહીં રહે. 

અન્ય ચાર સૂચનો કયાં?

૧. ૭૦ વર્ષથી મોટી ઉંમરના લોકો કે દિવ્યાંગોએ ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ મોટા ફન્ડ-ટ્રાન્સફર માટે ટ્રસ્ટેડ વ્યક્તિની મંજૂરીને જરૂરી બનાવી શકાય. વડીલો સાથેના ફ્રૉડની સામે સુરક્ષાના આ બીજા લેયર તરીકે કામ કરી શકે છે.

૨. એક વર્ષમાં કોઈ પણ ખાતામાંથી ૨૫ લાખ રૂપિયાથી વધુનાં ટ્રાન્ઝૅક્શન થવા પર વિશેષ તપાસ કરવામાં આવે.

૩. ‘કિલ સ્વિચ’ ફીચર રજૂ થઈ શકે, જેમાં ગ્રાહક એક ક્લિકમાં તમામ ડિજિટલ પેમેન્ટ બંધ કરી શકે. જો કોઈ ગ્રાહકને લાગે કે તેનું અકાઉન્ટ હૅક થઈ ગયું છે અથવા તો કોઈ ખોટું ટ્રાન્ઝૅક્શન થઈ રહ્યું છે તો તે એક જ ક્લિકમાં તમામ ડિજિટલ પેમેન્ટ સેવા બંધ કરાવી શકે.

૪. ભરોસામંદ લોકો માટે વાઇટલિસ્ટ બનાવી શકાશે. જો તમે કોઈ વ્યક્તિ કે વેપારીને પૈસા મોકલી રહ્યા છો અને તેને તમે જાણો છો તો તમે તેને તમારા વાઇટલિસ્ટમાં સામેલ કરી શકો છો. વાઇટલિસ્ટમાં હોય એવા લોકોને પેમેન્ટ કરવા પર એક કલાકનો હોલ્ડ નહીં લાગુ થાય. એને કારણે તમારી નિયમિત લેવડ-દેવડ પર અસર નહીં થાય.

ક્યાં સુધીમાં લાગુ થશે?

RBI હાલમાં બૅન્કો અને નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) સાથે મળીને આ માટેનાં ટેક્નિકલ પરિમાણો પર ચર્ચા કરી રહી છે. આ નિયમમાં મુખ્ય પડકાર છે પેમેન્ટની ઝડપ અને સેફ્ટી એ બન્ને વચ્ચેનું સંતુલન કઈ રીતે બનાવવું. આગામી થોડા જ મહિનાઓમાં આ માટેની વિસ્તૃત ગાઇડલાઇન બહાર પડી શકે છે અને તબક્કાવાર રીતે એને લાગુ કરવામાં આવશે.

RBIનું માનવું છે કે ડિજિટલ પેમેન્ટનો મૂળ સિદ્ધાંત ઇન્સ્ટન્ટ પેમેન્ટનો છે. ચોક્કસ કલાકોના હોલ્ડને કારણે યુઝર્સને થોડીક અસુવિધા થઈ શકે છે, પરંતુ સુરક્ષાના દૃષ્ટિકોણથી આ બહુ જ જરૂરી છે. આમ જનતા તેમ જ સ્ટેકહોલ્ડર્સ આ બાબતે કોઈ સૂચન આપવા માગતા હોય તો ૮ મે સુધીમાં મોકલી શકે છે. 

Whatsapp-channel Whatsapp-channel

11 April, 2026 01:38 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK