મૂર્તિઓ, સ્તંભ અને શિલાઓ; અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર ૫૦ ફુટના ખોદકામમાં મળ્યા પ્રાચીન મંદિરના અવશેષ

મંદિરના નિર્માણ દરમ્યાન ખોદકામમાં મળેલી મૂર્તિઓ અને સ્તંભ
અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ જોરશોરથી થઈ રહ્યું છે. જે દરમ્યાન ખોદકામમાં પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા છે, જેમાં અનેક મૂર્તિઓ અને સ્તંભ સામેલ છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોશ્યલ મીડિયા દ્વારા એની જાણકારી આપી હતી. તેમણે એનો એક ફોટોગ્રાફ શૅર કર્યો હતો જેમાં આ અવશેષોને એકસાથે રાખવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું હતું. ચંપત રાય અવારનવાર મંદિર-નિર્માણના ફોટોગ્રાફ્સ શૅર કરતા રહે છે.
નોંધપાત્ર છે કે પહેલી વખત મંદિરના નિર્માણ દરમ્યાન ખોદકામમાં મળેલી વસ્તુઓનો ફોટોગ્રાફ બહાર આવ્યો છે; જેમાં ડઝનથી વધારે મૂર્તિઓ, સ્તંભ અને શિલાઓ છે. આ શિલાઓમાં દેવી-દેવતાઓની કલાકૃતિઓ જોવા મળે છે. ફોટોગ્રાફમાં મંદિરોના પિલર્સ પણ જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે ખોદકામ દરમ્યાન મળેલા આ અવશેષોને રામલલાના ભવ્ય મંદિરમાં શ્રદ્ધાળુઓનાં દર્શન માટે રાખવામાં આવશે.
આ મંદિરનું નિર્માણ શરૂ થયું હતું ત્યારે લગભગ ૪૦થી ૫૦ ફુટનું ખોદકામ કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં ખોદકામ દરમ્યાન આ વસ્તુઓ મળી છે જે હિન્દુ પક્ષના દાવાને સમર્થન આપે છે. આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના સર્વેમાં પણ અનેક વસ્તુઓ મળી હતી.
શ્રીરામ મંદિરનું નિર્માણ પુરજોશમાં ચાલી રહ્યું છે. પહેલો ફ્લોર લગભગ બનીને તૈયાર છે. જાન્યુઆરી ૨૦૨૪માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે એનું લોકાર્પણ થવાનું છે. મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા બાદ પણ નિર્માણ-કામગીરી ચાલુ રહેશે. શ્રીરામ મંદિર ટ્રસ્ટની સાથે જોડાયેલા લોકો અનુસાર પહેલા અને બીજા ફ્લોરનું કામ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં કમ્પ્લીટ કરવામાં આવશે. જાન્યુઆરી સુધીમાં મૂર્તિ સ્થાપિત થઈ જશે. જેના પછી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.
શ્રીરામ મંદિર અનેક તબક્કામાં બની રહ્યું છે. પહેલા તબક્કાની કામગીરી ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં કમ્પ્લીટ થઈ જશે, બીજા તબક્કાની કામગીરી ડિસેમ્બર ૨૦૨૪માં, જ્યારે ત્રીજા તબક્કાની કામગીરી ડિસેમ્બર ૨૦૨૫માં કમ્પ્લીટ થઈ જશે.
કેવું હશે શ્રીરામ મંદિર?
શ્રીરામ મંદિર ટ્રસ્ટ તરફથી રિસન્ટ્લી નિર્માણ થઈ રહેલા આ મંદિરના ફોટોગ્રાફ્સ શૅર કરવામાં આવ્યા હતા. આ મંદિર ૧૦૦૦ વર્ષ સુધી ટકી રહેશે. આ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર પૂર્વ અને પશ્ચિમ દિશામાં લંબાઈ ૩૮૦ ફુટ છે અને ઉત્તર અને દક્ષિણ દિશામાં પહોળાઈ ૨૫૦ ફુટ રહેશે. આ મંદિર ગ્રાઉન્ડ ફ્લોરની સાથે ત્રણ ફ્લોરનું રહેવાનું છે. મંદિરની કુલ ઊંચાઈ ૩૯૨ ફુટ રહેશે; જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ૧૬૬ ફુટ, પહેલો ફ્લોર ૧૪૪ ફુટ અને સેકન્ડ ફ્લોર ૮૨ ફુટ ઊંચો રહેશે. ગર્ભગૃહ અને એની આસપાસ કોતરણીવાળા રેતીના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના માટે ૪.૭૦ લાખ ક્યુબિક ફુટ કોતરણીવાળા પથ્થરોને લગાવવામાં આવ્યા છે. આ મંદિરના પરિસરમાં કુલ આઠ એકર જમીનમાં લંબચોરસ બે માળના પરિક્રમા-માર્ગનું પણ નિર્માણ થઈ રહ્યું છે.