જયપુરમાં સુખદેવ સિંહ ગોગામેડીના ઘરે જ હુમલાખોરો પહેલાં આરામથી વાતચીત કરી રહ્યા હતા, પણ પછી અચાનક ગોળીબાર કરવા લાગ્યા
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં ગઈ કાલે તેમના ઘરમાં હત્યા કરાઈ. આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફુટેજના સ્ક્રીન શૉટ્સ.
જયપુરઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગઈ કાલે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનું સીસીટીવી ફુટેજ પણ આવ્યું છે, જેમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે હુમલાખોરો પહેલાં આરામથી બેસીને સુખદેવ સિંહની સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યાર બાદ અચાનક ગોળીબાર કરવામાં આવ્યા હતા. સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા જયપુરમાં શ્યામનગર એરિયામાં તેમના ઘરે જ થઈ હતી. રાજસ્થાનના રોહિત ગોદારા ગૅન્ગે આ હત્યાની જવાબદારી સ્વીકારી છે. ગઈ કાલે બપોરે દોઢ વાગ્યે ત્રણ હુમલાખોરો પહોંચ્યા હતા. પહેલાં તો તેઓ સોફા પર બેસીને ગોગામેડી સાથે વાતચીત કરી રહ્યા હતા. ૧૦ મિનિટ પછી તેઓ ઊભા થયા અને ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. ફાયરિંગ દરમ્યાન ગોગામેડીના ગાર્ડે બચાવવાની કોશિશ કરી હતી, હુમલાખોરોએ તેના પર પણ ફાયરિંગ કર્યું હતું. જતાં-જતાં એક હુમલાખોરે ગોગામેડીના માથામાં ગોળી મારી હતી. ગાર્ડ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક હુમલાખોરનું મોત થયું હતું. સુખદેવ સિંહ ગોગામેડી ઘણા સમયથી રાષ્ટ્રીય કરણી સેનામાં હતા. કરણી સેના સંગઠનમાં વિવાદ થયા બાદ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના નામનું અલગ સંગઠન તેમણે બનાવ્યું હતું. ગોગામેડીની હત્યા બાદ અનેક જિલ્લાઓમાં વિરોધ-પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. ચુરુના સાદુલપુરમાં લોકોએ રસ્તાઓ રોક્યા હતા અને બસો પર પથ્થરમારો કર્યો હતો. રાજસમંદના કુંભલગઢમાં માર્કેટ્સ બંધ કરાવવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીના સમર્થકો ગઈ કાલે ભારે હોબાળો મચાવતા જોવા મળ્યા હતા.
જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીના ઘરે પોલીસ અને ફૉરેન્સિક ટીમના સભ્યો.
‘જોધા અકબર’થી લઈને ‘પદ્માવત’ સુધી વિરોધ કર્યો હતો
કરણી સેનાએ ‘જોધા અકબર’થી લઈને ‘પદ્માવત’ સહિત અનેક ફિલ્મોનો વિરોધ કર્યો છે. કરણી સેનાએ આરોપ મૂક્યો હતો કે ‘પદ્માવત’ ફિલ્મથી રાજપૂતોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. કરણી સેનાએ અક્ષયકુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું ટાઇટલ બદલવાની માગણી કરી હતી, જેના પછી આ ફિલ્મનું નામ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરવામાં આવ્યું હતું. એ જ રીતે ડિરેક્ટર આશુતોષ ગોવારીકરની ‘જોધા અકબર’નો પણ કરણી સેનાએ ખૂબ વિરોધ કર્યો હતો.

