પીએમઓએ જાહેર કરેલા નિવેદન મુજબ, પીએમ મોદીનું વિઝન છે કે અયોધ્યામાં વૈશ્વિક સ્તરનું માળખું તૈયાર કરવામાં આવે અને આધુનિક વિકાસ સહિત કનેક્ટિવિટીમાં સુધારો કરવામાં આવે.
નરેન્દ્ર મોદી
નવી દિલ્હી : અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કરશે; જેમાં ઍરપોર્ટ, પુન: વિકસિત કરાયેલાં રેલવે-સ્ટેશનનો સમાવેશ છે. એ ઉપરાંત તેઓ બે નવી અમૃત ભારત અને છ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દેખાડશે. મોદી ૧૧,૧૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ લૉન્ચ કરશે. પીએમઓએ જાહેર કરેલા નિવેદન મુજબ, પીએમ મોદીનું વિઝન છે કે અયોધ્યામાં વૈશ્વિક સ્તરનું માળખું તૈયાર કરવામાં આવે અને આધુનિક વિકાસ સહિત કનેક્ટિવિટીમાં સુધારો કરવામાં આવે. જે આ શહેરના સમૃદ્ધ ઇતિહાસ અને વારસાને અનુરૂપ હોય. આ ઍરપોર્ટનું નિર્માણ રામમંદિરની થીમ આધારિત કરાશે. પુન: વિકસિત કરાયેલાં રેલવે-સ્ટેશનનું નામ ‘અયોધ્યા ધામ’ જંક્શન રખાયું છે. અહીં તમામ આધુનિક સુવિધા જોવા મળશે. એ સિવાય અયોધ્યામાં નરેન્દ્ર મોદી નવા ચાર રસ્તાનું પણ ઉદ્ઘાટન કરશે; જેનાં નામ રામપથ, ભક્તિપથ, ધરમપથ, શ્રીરામ જન્મભૂમિ પથ છે. આ રસ્તા થકી રામમંદિર સુધી પહોંચવામાં સરળતા રહેશે. ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે.
અયોધ્યામાં 3D લાઇટ અને સાઉન્ડ શોનો વિડિયો વાઇરલ
ADVERTISEMENT
સરયૂ નદીના કાંઠે સ્થિત અયોધ્યાના રામ કી પૈડી ઘાટ પર અત્યારે સંગીત અને પ્રકાશનો શણગાર જોવા મળી રહ્યો છે. 3D લાઇટ અને સાઉન્ડ શો સમગ્ર સિટીમાં દિવ્યતા પાથરી રહ્યો છે, જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ ભવ્ય પ્રદર્શનમાં રામાયણનાં પવિત્ર દૃશ્યોને આધુનિક ટેક્નૉલૉજીના જાદુથી જીવંત કરવામાં આવ્યાં છે. ત્રેતા યુગની ઘટનાઓને સરયૂના શાંત જળ પર 3D ટેક્નૉલૉજી દ્વારા પ્રોજેક્ટ થઈ રહી છે, જેને જોઈને શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.