લૂંટફાટ કરીને જીવન ગુજારતા કરૌલીના અનેક પરિવારોએ સંપત્તિદેવી નામની મહિલાના નેતૃત્વમાં એક સ્વૈચ્છિક સંસ્થાની મદદથી ૧૫ વર્ષમાં ૨૨૨ તળાવોને રિવાઇવ કરતાં માત્ર વરસાદી પાણીથી આખા વિસ્તારમાં હરિયાળી ક્રાન્તિ શક્ય બની છે
સંપત્તિદેવી નામની મહિલા
૧૫ વર્ષ પહેલાં રાજસ્થાનના કરૌલી જિલ્લામાં રહેતી સંપત્તિદેવી અને તેના જેવી બીજી મહિલાઓ સતત એ ડરમાં રહેતી હતી કે તેમના પતિ ક્યારેય ઘરે પાછા ફરશે જ નહીં, કારણ કે વારંવારના દુકાળ અને ઓછા થતા વરસાદને કારણે ધરતીમાં પાક થતો નહોતો અને પાણી વિના પશુપાલન પણ શક્ય નહોતું એટલે પુરુષો ડાકુ બની જતા અને પોલીસથી બચવા માટે જંગલોમાં રહેતા હતા.

ADVERTISEMENT
પણ ૨૦૧૦માં મહિલાઓએ વરસાદી પાણી બચાવવા માટે અભિયાન હાથ ધર્યું અને પુરુષોને હથિયારો છોડીને ઘરે પાછા ફરવા અને વરસાદના પાણીને સંઘરવા માટે સાથ આપવા વિનંતી કરી. પાણી બચાવવાના કામમાં ૧૯૭૫થી કાર્યરત અલવર સ્થિત સામાજિક સંસ્થા તરુણ ભારત સંઘે જૂના સુકાઈ ગયેલાં તળાવો અને કૂવાઓને રીચાર્જ કરવા અને ડુંગરની નીચે વરસાદી પાણીને સંઘરી રાખવા જળાશય બનાવવામાં મદદ કરી. આજે આ કામે ચમત્કાર કર્યો છે.

સંપત્તિદેવીના ૫૮ વર્ષના પતિ અને ભૂતપૂર્વ ડાકુ જગદીશે તેનાં હથિયારો છોડીને શરણાગતિ સ્વીકારી લીધી હતી. આજે તે કહે છે કે જો હું ડાકુનું જીવન જીવતો હોત તો મરી ગયો હોત, મારી પત્નીએ મને ઘરે આવવા અને ખેતી કરવા મનાવ્યો હતો અને હવે અમે સરસ જીવન જીવી રહ્યા છીએ.

સંપત્તિદેવીએ ગામના બીજા ડાકુઓને પણ શસ્ત્રો છોડવા અને ખેતીવાડી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આવાં તમામ દંપતીઓનાં સન્માન પણ કરવામાં આવ્યાં છે.
સંપત્તિદેવી અને તેના પતિએ દૂધ વેચીને ભેગાં કરેલાં નાણાંમાંથી ૨૦૧૫-’૧૬માં આલમપુર ગામમાં એક જળાશય તૈયાર કર્યું છે જેમાં આખું વર્ષ ચાલે એટલું પાણી સંઘરી શકાય છે. શિંગોડાના પાક માટે તેઓ આ જળાશય ભાડે આપીને વર્ષે એક લાખ રૂપિયા કમાય છે. આ દંપતી અને તેમના જેવા ઘણા લોકો વર્ષમાં ત્રણ પાક લઈ શકે છે જેમાં ઘઉં, રાઈ, બાજરી વગેરેનો સમાવેશ છે.
નદીઓ બારેમાસ વહે છે
૧૫ વર્ષમાં જે કામ થયું છે એના કારણે કરૌલી અને ધૌલપુર જિલ્લામાં આશરે ૨૨૨ જળાશયો તૈયાર થયાં છે. આના કારણે ૪૦ વર્ષથી સુકાઈ ગયેલી વરસાદી નદીઓમાં હવે બારે મહિના પાણી રહે છે. સેરની અને મહેશ્વરા નદીના પાણીથી ૩૦૦ ગામના લોકો ખરીફ અને રવી પાક લેતા થયા છે.


