રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ૬૯ કિલો મીટર કોકરાઝાર-ગાલેફુ રેલવેલાઇનની જાહેરાત કરી
રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ
ટૂંક સમયમાં જ વિદેશ પણ ટ્રેનથી જઈ શકાય એવા એક રેલવે-પ્રોજેક્ટનાં પગરણ મંડાઈ ગયાં છે. ભારતીય રેલવેએ ૪૦૩૩ કરોડ રૂપિયાના ખર્ચે રેલવે-પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે જે ભારતને ભુતાનથી જોડશે. એનું કામ બહુ જલદીથી શરૂ થશે. આ પ્રોજેક્ટની જાહેરાત રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે દિલ્હીમાં કરતાં કહ્યું હતું કે આ પ્રોજેક્ટથી પર્યટન અને વેપાર બન્નેમાં વધારો થશે.
ભુતાનને જોડવા માટે આસામના કોકરાઝારથી ભુતાનના ગાલેફુ સુધીની ૬૯ કિલોમીટર લાંબી રેલવેલાઇનનું નિર્માણ થશે. આ પ્રોજેક્ટ પૂરો કરતાં લગભગ ૪ વર્ષનો સમય લાગશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘આ રેલવેલાઇનને આધુનિક સિગ્નલિંગ ટેક્નિકથી સજ્જ કરવામાં આવશે જેથી વંદે ભારત જેવી આધુનિક ટ્રેન પણ ચાલી શકશે. એનાથી સુવિધા અને કમ્ફર્ટ સાથે સફર થઈ શકશે.’


