Rahul Gandhi gets bail: વર્ષ ૨૦૧૮માં ચાઇબાસામાં એક રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ બદનક્ષીભર્યા નિવેદનો આપવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો; કોર્ટે આપ્યા જામીન
રાહુલ ગાંધીની ફાઇલ તસવીર
કોંગ્રેસ (Congress)ના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને આજે બુધવારે માનહાનિના કેસમાં જામીન મળ્યા હતા. ઝારખંડ (Jharkhand)ના ચૈબાસા (Chaibasa) સાંસદ-ધારાસભ્ય કોર્ટે તેમને રાહત આપી હતી. રાહુલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)ના નેતા પ્રતાપ કટિહારે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ સમગ્ર વિવાદ વર્ષ ૨૦૧૮નો છે. રાહુલે કોંગ્રેસના અધિવેશન દરમિયાન એક નિવેદન આપ્યું હતું તેને કારણે આ કેસ થયો હતો.
વર્ષ ૨૦૧૮માં એક રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કથિત બદનક્ષીભરી ટિપ્પણી સંબંધિત કેસના સંદર્ભમાં બુધવારે, ૬વ ઍગસ્ટ ૨૦૨૫ના રોજ ઝારખંડના ચૈબાસામાં સાંસદ-ધારાસભ્ય કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા. બુધવારે સવારે લગભગ ૧૦.૫૫ વાગ્યે રાહુલ કોર્ટમાં હાજર થયા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના વકીલે જણાવ્યું હતું કે, ‘ઝારખંડ હાઈકોર્ટના નિર્દેશો અનુસાર રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા હતા. તેમણે જામીન માટે વિનંતી કરી હતી જે મંજૂર કરવામાં આવી હતી. હવે અમે પ્રક્રિયા આગળ વધારીશું.’
ADVERTISEMENT
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૨૮ માર્ચ ૨૦૧૮ના રોજ કોંગ્રેસના અધિવેશન દરમિયાન તત્કાલીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ પછી, ૯ જુલાઈ ૨૦૧૮ના રોજ, પ્રતાપ કટિહારે ચૈબાસા કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાહુલને આ મામલે ઘણી વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા. જોકે, તેઓ બુધવારે હાજર થયા હતા. બીજી મહત્વની વાત એ છે કે આ કેસ પહેલા ચૈબાસા સીજેએમ કોર્ટ (Chaibasa CJM court)થી રાંચી એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટ (Ranchi MP-MLA Special Court)માં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ આ પછી તે ચાઇબાસા એમપી-એમએલએ કોર્ટ (Chaibasa MP-MLA court)માં આવ્યો.
આ કેસમાં, કોર્ટે એપ્રિલ ૨૦૨૨માં જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું, ત્યારબાદ ફેબ્રુઆરી ૨૦૨૪માં બિન-જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ CrPCની કલમ 205 હેઠળ હાજર રહેવાથી મુક્તિ માટે અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. તેમણે આ વિરુદ્ધ ઝારખંડ હાઈકોર્ટ (Jharkhand High Court)માં અરજી દાખલ કરી હતી અને થોડા સમય માટે રાહત મળી હતી, પરંતુ માર્ચ ૨૦૨૪માં હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો. આ પછી, ચૈબાસા કોર્ટે ૨૨ મે ૨૦૨૫ના રોજ ફરીથી બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું. અંતે, રાહુલ ગાંધી ૬ ઓગસ્ટના રોજ કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર થયા, ત્યારબાદ તેમને શરતી જામીન આપવામાં આવ્યા.
રાહુલ ગાંધી વતી વરિષ્ઠ વકીલો પ્રદીપ ચંદ્રા અને દીપાંકર રોયે કોર્ટમાં દલીલો કરી. હવે આ મામલો ટ્રાયલ પ્રક્રિયામાં આગળ વધશે.


