ઉજ્જવલ નિકમને નરેન્દ્ર મોદીએ ફોન કરીને પૂછ્યું : અને બન્ને હસી પડ્યા : રાષ્ટ્રપતિએ રાજ્યસભા માટે તેમને પસંદ કર્યા છે એ સમાચાર આપવા વડા પ્રધાને ફોન કરેલો
ઉજ્જવલ નિકમ, નરેન્દ્ર મોદી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચાર જાણીતા મહાનુભાવોને રાજ્યસભામાં નૉમિનેટ કર્યા છે. એમાં પ્રખ્યાત સરકારી વકીલ ઉજ્જવલ નિકમ, ભૂતપૂર્વ વિદેશસચિવ હર્ષ શ્રૃંગલા, સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ સી. સદાનંદન માસ્ટર અને જાણીતાં ઇતિહાસકાર ડૉ. મીનાક્ષી જૈનનો સમાવેશ થાય છે.
ઉજ્જવલ નિકમની ગણતરી દેશના સૌથી પ્રખ્યાત અને અનુભવી સરકારી વકીલોમાં થાય છે. તેઓ મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં જીવતા પકડાયેલા એકમાત્ર આતંકવાદી અજમલ કસબ સામે કેસ લડ્યા હતા અને તેને ફાંસી અપાવી હતી. લગભગ ત્રણ દાયકાની તેમની વકીલાતની કારકિર્દીમાં ૬૦૦થી વધુ ગુનેગારોને આજીવન કેદ અને ૩૭ને મૃત્યુદંડની સજા કરાવવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી છે.
ADVERTISEMENT
ભારત સરકારે ઉજ્જવલ નિકમને ૨૦૧૬માં તેમના કાયદાકીય યોગદાન માટે ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. ઉજ્જવલ નિકમ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર લડ્યા હતા. તેમને મુંબઈ નૉર્થ સેન્ટ્રલ બેઠક પરથી BJPના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં કૉગ્રેસનાં વર્ષા ગાયકવાડ સામે તેઓ લગભગ ૧૬,૦૦૦ મતોથી પરાજિત થયા હતા.
સરકારી વકીલ ઉજ્જવલ નિકમ રાજ્યસભામાં નૉમિનેટ થયા છે એ સમાચાર તેમને જે રીતે મળ્યા એ પળ જોકે તેમના માટે યાદગાર બની ગઈ છે. ઉજ્જવલ નિકમને તેમના નૉમિનેશન વિશેના સમાચાર સૌથી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યા હતા. એક પળ માટે મને એવું લાગ્યું કે શું ખરેખર નરેન્દ્ર મોદીનો જ ફોન છે એવી નિખાલસતા સાથે ઉજ્જવલ નિકમે જણાવ્યું હતું કે ‘મને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કર્યો હતો. મને ત્યાં સુધી નૉમિનેશન માટે મારું નામ વિચારાઈ રહ્યું છે એનો ખ્યાલ જ નહોતો. એટલે એક પળ માટે શંકા થઈ કે ખરેખર આ નરેન્દ્ર મોદીનો જ ફોન છે? નરેન્દ્ર મોદી લોકસભાના કૅમ્પેનમાં મને પહેલી વાર મળ્યા હતા. ત્યારે તેમણે મારા ખભા પર હાથ મૂકીને મારામાં જે વિશ્વાસ મૂક્યો હતો એનાથી હું ભાવુક થઈ ગયો હતો. શનિવારે ૮ વાગીને ૪૪ મિનિટે તેમનો ફોન આવ્યો હતો. પહેલાં તો તેમણે મને પૂછ્યું કે હું મરાઠીમાં કહું કે હિન્દીમાં બોલું? તો હું જરા હસ્યો. પછી તે પણ જોરથી હસી પડ્યા. મેં તેમને કહ્યું કે તમને તો બન્ને ભાષા બહુ સારી આવડે છે. તો તેમણે મરાઠીમાં મને કહ્યું કે ઉજ્જ્વલજી, રાષ્ટ્રપતિ મહોદયા તમારા પર જવાબદારી સોંપવા માગે છે, શું તમે જવાબદારી લઈ શકો છો? મેં કહ્યું કે કહો કઈ જવાબદારી? વડા પ્રધાને કહ્યું કે રાષ્ટ્રપતિનો નિર્ણય છે કે તમને રાજ્યસભામાં લઈએ એટલે દેશ માટે, સંવિધાન માટે કંઈક શક્તિ ખર્ચ કરી શકીએ. તો મેં તરત જ હા પાડી દીધી.’
ઉજ્જવલ નિકમે સરકારી વકીલ તરીકે લડેલા મહત્ત્વના કેસ
૧૯૯૧ કલ્યાણ રેલવે બ્લાસ્ટ
૧૯૯૩ મુંબઈ સિરિયલ બૉમ્બબ્લાસ્ટ
૨૦૦૩ ગેટવે ઑફ ઇન્ડિયા અને ઝવેરીબજાર બૉમ્બબ્લાસ્ટ
૨૦૦૩ ગુલશનકુમાર હત્યાકાંડ
૨૦૦૪ નદીમનો લંડનથી એક્સ્ટ્રડિશન કેસ
૨૦૦૬ ગૅન્ગસ્ટર અબુ સાલેમ કેસ
૨૦૦૬ પ્રમોદ મહાજન હત્યાકાંડ
૨૦૦૮ ૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલાનો કેસ
૨૦૧૦ શક્તિ મિલ ગૅન્ગરેપ
૨૦૧૬ ડેવિડ હેડલી કેસ

