Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હાઇડ્રેટેડ રહો, પીક અવર્સમાં બહાર નીકળવાનું ટાળો: હિટવેવનું જોર વધતા પીએમ મોદીએ કરી વિનંતી

હાઇડ્રેટેડ રહો, પીક અવર્સમાં બહાર નીકળવાનું ટાળો: હિટવેવનું જોર વધતા પીએમ મોદીએ કરી વિનંતી

Published : 27 May, 2026 03:00 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

PM Narendra Modi`s advice to citizens amid soaring heatwave: ભારતમાં હાલમાં ચાલી રહેલ હીટવેવ રમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને હાઇડ્રેટેડ રહેવા અને સતર્ક રહેવા આગ્રહ કર્યો; પરિવારના વયોવૃદ્ધ સભ્યોના ખબર-અંતર પૂછવા પર ભાર મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર


ભારતના અનેક વિસ્તારો હાલમાં ભીષણ ગરમી અને હીટવેવ (Heatwave)નો સામનો કરી રહ્યા છે. આગામી ચાર દિવસ સુધી આ આકરા ઉનાળાનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવનાને જોતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ દેશવાસીઓ માટે એક જાહેર એડવાઇઝરી જારી કરી છે. વડાપ્રધાને આ અસહ્ય ગરમી વચ્ચે લોકોને વ્યક્તિગત સાવચેતી રાખવા, સમુદાયના સ્તરે એકબીજાની સંભાળ લેવા અને પરસ્પર કરુણા દાખવવાની ખાસ અપીલ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશવાસીઓને આ ઉનાળામાં ગરમીને મ્હાત આપવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવા (હાઇડ્રેટેડ રહેવા) અને જરૂરી કાળજી લેવા આગ્રહ (PM Narendra Modi`s advice to citizens amid soaring heatwave) કર્યો છે. દેશભરમાં વધી રહેલા અસહ્ય તાપમાન અને કાળઝાળ ગરમી વચ્ચે, તેમણે સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (X) પર ઉપરાઉપરી કેટલીક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ્સ દ્વારા તેમણે લોકોને મહત્તમ સાવચેતી રાખવા જણાવ્યું છે, કારણ કે હાલમાં દેશના અનેક ભાગોમાં તાપમાનનો પારો ખૂબ જ ઊંચો નોંધાઈ રહ્યો છે.



પીએમ મોદીએ એક્સ પર કરી વિનંતી


પીએમ મોદીએ એક્સ પર લખ્યું છે કે, ‘ભારતના વિવિધ ભાગો હાલમાં વધી રહેલા તાપમાન અને તેના કારણે આવતા પડકારોનો સામનો કરી રહ્યા છે. આ ગરમી આપણા બધા માટે ખૂબ જ આકરી છે અને હું આપ સૌને શક્ય તેટલી વધુ સાવચેતી રાખવા વિનંતી કરું છું. કૃપા કરીને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખો (હાઇડ્રેટેડ રહો) અને જ્યારે પણ બહાર નીકળો ત્યારે તમારી સાથે પાણી રાખો. અન્ય લોકોને પણ એક ગ્લાસ પાણી આપો. આવા હવામાનમાં આ પ્રકારની દયાળુતા ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.’


તેમણે આગળ લખ્યું છે કે, ‘ચક્કર આવવા, ઉબકા થવા અથવા ભારે થાક લાગવો જેવા હીટ એક્ઝોસ્ટન (ગરમીના કારણે થતી અસહ્ય પીડા) ના લક્ષણો પર ખાસ નજર રાખો. જો તમારી આસપાસ કોઈ વ્યક્તિ અસામાન્ય રીતે અસ્વસ્થતા કે નબળાઈ અનુભવે અથવા તેને માથાનો દુખાવો થાય, તો તેને તાત્કાલિક કોઈ ઠંડી અને છાયડાવાળી જગ્યાએ ખસેડવામાં મદદ કરવી સૌથી હિતાવહ છે. તેમને પાણી, ઓઆરએસ (ORS) વગેરે જેવી મદદરૂપ વસ્તુઓ અચૂક મળી રહે તે સુનિશ્ચિત કરો. આવી અસહ્ય ગરમી દરમિયાન બાળકો, વડીલો અને બહાર ખુલ્લામાં કામ કરતા લોકો પર જોખમ ઘણું વધારે હોય છે. આ ચેતવણીરૂપ લક્ષણોને અવગણવા ખૂબ જ ઝડપથી ખતરનાક સાબિત થઈ શકે છે અને તે હીટસ્ટ્રોક (લૂ લાગવી) નું કારણ પણ બની શકે છે. આવા હવામાનમાં, સમયસર લેવામાં આવેલી કાળજી અને ધ્યાન ખૂબ જ મદદરૂપ બને છે.’

વધુમાં, વડાપ્રધાને નાગરિકોને તેમના પરિવારના વયોવૃદ્ધ સભ્યો, પક્ષીઓ અને પ્રાણીઓની સંભાળ રાખવા માટે પણ આગ્રહ કર્યો છે, જેથી તેમને હીટવેવના જોખમોથી બચાવી શકાય. તેમણે લખ્યું છે કે, ‘જ્યારે પણ શક્ય હોય ત્યારે, આ હીટવેવ (લૂ) દરમિયાન તમારા વયોવૃદ્ધ માતા-પિતા, દાદા-દાદી અને પરિવારના વડીલોને ફોન કરીને તેમના ખબર-અંતર પૂછો. તેમને પૂરતા પ્રમાણમાં પાણી પીવા (હાઇડ્રેટેડ રહેવા), બપોરના આકરા તડકાના સમયે બહાર જવાનું ટાળવા અને શક્ય એટલો આરામ કરવા માટે યાદ અપાવો.’

પીએમ મોદીએ વિનંતી કરતા લખ્યું કે, ‘આ અસહ્ય ગરમીમાં, ચાલો આપણે આપણી આસપાસના પક્ષીઓ અને પ્રાણીઓને પણ યાદ રાખીએ. તમારા ઘર, બાલ્કની, અગાસી, દુકાનો કે ઓફિસોની બહાર રાખેલું પાણીનું એક નાનું વાસણ (કૂંડું) તરસ્યા પક્ષી માટે જીવનરક્ષક સાબિત થઈ શકે છે. આ મુશ્કેલ દિવસોમાં કરુણા આપણું માર્ગદર્શન કરે તેવી પ્રાર્થના.’

તીવ્ર હીટવેવની સ્થિતિ: હવામાન વિભાગ દ્વારા ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતમાં એલર્ટ જાહેર

ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજેતરના બુલેટિન અનુસાર, દેશના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી અને હીટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં તીવ્ર હીટવેવની સ્થિતિ નોંધાઈ છે, જ્યારે પૂર્વ ઉત્તર પ્રદેશ અને પૂર્વ મધ્ય પ્રદેશના કેટલાક અલગ-અલગ વિસ્તારોમાં પણ તાપમાનનો પારો અસહ્ય સપાટીએ પહોંચી ગયો છે.

આ ઉપરાંત ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, બિહાર, ઓડિશા, તેલંગાણા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશના વિવિધ ભાગોમાં પણ હીટવેવની સ્થિતિ યથાવત છે, જે દર્શાવે છે કે દેશના ઉત્તર, મધ્ય અને પૂર્વ વિસ્તારોમાં આકરી ગરમીનું મોજું વ્યાપકપણે ફરી વળ્યું છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ૨૭ અને ૨૮ મે દરમિયાન હીટવેવની સ્થિતિ ચાલુ રહેશે. આ સાથે જ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં અતિ તીવ્ર હીટવેવની પણ શક્યતા છે. ગરમીનો આ પ્રકોપ હજુ ચાલુ રહેવાનો હોવાથી હવામાન વિભાગે સ્થાનિક નાગરિકોને જરૂરી તમામ સાવચેતી રાખવા વિનંતી કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2026 03:00 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK