ગઈ કાલે GST સુધારાઓને આવકારતાં વડા પ્રધાને વિરોધ પક્ષો પર પણ ચાબખા માર્યા
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ GSTના સુધારાઓને ઐતિહાસિક ગણાવીને વધાવ્યા હતા. દિલ્હીમાં વડા પ્રધાનના આવાસ પર યોજાયેલા એક કાર્યક્રમમાં પોતાના ભાષણ દરમ્યાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ સુધારા ભારતની આત્મનિર્ભરતાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ વખતે નવરાત્રિના પહેલા દિવસથી આ સુધારા અમલમાં આવી જશે.’
કૉન્ગ્રેસ સરકારે બધાનું મન્થ્લી બજેટ કેવી રીતે વધારી રાખેલું એ કોઈ નહીં ભૂલી શકે એમ કહીને નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે ‘ટૂથપેસ્ટ, સાબુ, માથાના તેલ જેવી વસ્તુઓ પર ૨૭ ટકા ટૅક્સ હતો તો ચમચી-પ્લેટ જેવાં વાસણો પર ૧૮થી ૨૮ ટકા ટૅક્સ, સાઇકલ પર ૧૭ ટકા અને સિલાઈ મશીન પર ૧૬ ટકા ટૅક્સ હતો. આમ રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ પર ભારેભરખમ ટૅક્સ હતો. અરે, કૉન્ગ્રેસવાળા તો બાળકોની ટૉફી પર પણ ૨૧ ટકા ટૅક્સ વસૂલી લેતા હતા. ત્યારે તો મિડલ ક્લાસ માણસ માટે તેમણે જીવન જીવવું મુશ્કેલ કરી નાખ્યું હતું. હવે અમારી સરકારે ૧૨ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટૅક્સ લગાવ્યો નથી અને સાથે-સાથે મોટા ભાગની બધી ચીજવસ્તુઓ પર ટૅક્સ ઓછો કર્યો છે એટલે આવકમાં બચત અને જાવકમાં પણ બચત. તમારા માટે ડબલ ધમાકા છે.’


