રાજસ્થાનના સીકરમાં સભાને સંબોધતાં વડા પ્રધાને આ નવું સ્લોગન આપ્યું
સીકરમાં ગઈ કાલે એક સભાને સંબોધી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર : પી.ટી.આઇ.)
લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે એમ-એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિપક્ષો પર શાબ્દિક હુમલા વધતા જાય છે. હવે તેઓ ગઈ કાલે રાજસ્થાનના સીકર પહોંચ્યા હતા. અહીં સભાને સંબોધતી વખતે તેમણે વિપક્ષોની આકરી ટીકા કરી હતી.
પરિવારવાદ-ક્વિટ ઇન્ડિયા
ADVERTISEMENT
વડા પ્રધાને કહ્યું હતું કે ‘જો તેમને ઇન્ડિયાની ચિંતા હોત તો તેમણે સર્જિકલ સ્ટ્રાઇક વિશે સવાલ ઉઠાવ્યા હોત, વિદેશમાં જઈને તેમને ભારતમાં હસ્તક્ષેપની વાત કરી હોત. આ એ જ ચહેરા છે કે જેમણે આપણા સૈનિકોના અધિકાર પર તરાપ મારી છે. આ લોકો ટુકડે-ટુકડે ગૅન્ગને ભેટે છે, ભાષાના આધારે દેશનું વિભાજન કરે છે. તેમના માટે દેશહિત નહીં, પરંતુ વોટબૅન્ક સર્વોચ્ચ છે. આ લોકોમાં ખૂબ જ અહંકાર છે. તેમણે એક વખત સ્લોગન આપ્યું હતું કે ઇન્દિરા ઇઝ ઇન્ડિયા, ઇન્ડિયા ઇઝ ઇન્દિરા. અહંકારથી ભરેલા આ લોકોએ એ જ પાપનું પુનરાવર્તન કર્યું. આઝાદીની લડાઈના સમયે મહાત્મા ગાંધીએ એક સ્લોગન આપ્યું હતું. એ સમયે યુવાનોએ કૉલેજમાં ભણવાનું છોડી દીધું હતું, જેલવાસ ભોગવ્યો હતો. આજે ફરી એક વખત દેશના શાનદાર ભવિષ્ય માટે એ સ્લોગનની જરૂર છે. એ સ્લોગનને દરેક ગામ સુધી પહોંચાડવાની જરૂર છે. એ સ્લોગન હતું ‘ક્વિટ ઇન્ડિયા- અંગ્રેજો ભારત છોડો.’ હવે પરિવારવાદ-ક્વિટ ઇન્ડિયા, તુષ્ટીકરણ-ક્વિટ ઇન્ડિયા. ક્વિટ ઇન્ડિયા જ દેશને બચાવશે અને ભારતને વિકસિત દેશ બનાવશે.’
લાલ ડાયરીમાં કૉન્ગ્રેસનાં કાળાં કામો
વડા પ્રધાને કહ્યું હતું કે ‘લાલ ડાયરીમાં કૉન્ગ્રેસનાં કાળાં કામો છે. પાર્ટી વર્ચસની લડાઈમાં ફસાઈ છે. દેશના ગરીબોને ફ્રીમાં રૅશન આપવાની ગૅરન્ટી બીજેપી સરકારે આપી. દેશના કરોડો ગરીબોને કોરોનાની વૅક્સિનની ગૅરન્ટી બીજેપી સરકારે આપી હતી.’ વડા પ્રધાને કૉન્ગ્રેસના સિનિયર લીડર રાહુલ ગાંધીના ‘મહોબ્બત કી દુકાન’ સ્લોગનની ટીકા કરતાં કહ્યું હતું કે ‘લૂટ કી દુકાન, જૂઠ કી દુકાન’ની લેટેસ્ટ પ્રોડક્ટ લાલ ડાયરી છે.’


