પીએમ મોદીએ G20 ગ્રુપના દેશોના લીડર્સની વર્ચ્યુઅલ સમિટમાં ટેક્નૉલૉજીનો જવાબદારીથી ઉપયોગ કરવા પર ભાર મૂક્યો
નવી દિલ્હીમાં ગઈ કાલે G20 વર્ચ્યુઅલ સમિટને સંબોધી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર : પી.ટી.આઇ.)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ચિંતા વ્યક્ત કરી હતી કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના યુગમાં ડીપફેક્સ સમાજ માટે ખૂબ જ ખતરનાક પુરવાર થઈ શકે છે. G20 ગ્રુપના દેશોના લીડર્સની વર્ચ્યુઅલ સમિટમાં વડા પ્રધાને એ ખાતરી કરવા પણ જણાવ્યું હતું કે ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ પ્રાદેશિક લડાઈનું સ્વરૂપ ધારણ ન કરે.
ટેક્નૉલૉજીના દુરુપયોગ વિશે વડા પ્રધાને કહ્યું હતું કે ‘આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના યુગમાં ટેક્નૉલૉજીનો જવાબદાર રીતે ઉપયોગ કરવાની જરૂર છે. સમગ્ર દુનિયામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના નેગેટિવ ઉપયોગને લઈને ચિંતા વધી રહી છે. ભારત સ્પષ્ટપણે વિચારે છે કે એઆઇના વૈશ્વિક રેગ્યુલેશન્સ માટે આપણે મળીને કામ કરવું જોઈએ. ડીપફેક્સ સમાજ માટે, વ્યક્તિ માટે કેટલું ખતરનાક છે એની ગંભીરતાને સમજીને આપણે આગળ વધવું પડશે. આપણે જાણીએ છીએ કે લોકોને એઆઇના લાભ મળવા જોઈએ અને એ સમાજ માટે સેફ હોવું જોઈએ. આ અપ્રોચની સાથે જ ભારતમાં આગામી મહિને ગ્લોબલ એઆઇ પાર્ટનરશિપ સમિટ યોજાવા જઈ રહી છે. મને વિશ્વાસ છે કે વિશ્વના દેશો એમાં સાથ આપશે.’
ADVERTISEMENT
ગાઝામાં ઇઝરાયલ અને હમાસ આતંકવાદી ગ્રુપ વિશે તેમણે કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક મહિનાઓમાં નવા પડકારો આવ્યા છે. પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં અસુરક્ષા અને અસ્થિરતાની સ્થિતિ આપણા બધા માટે ચિંતાનો વિષય છે. આજે આપણે એકસાથે આવ્યા છીએ એ વાતનું પ્રતીક છે કે આપણે બધા મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલ છીએ અને એના ઉકેલ માટે એકસાથે છીએ. આપણે માનીએ છીએ કે આતંકવાદ આપણા બધાને સ્વીકાર્ય નથી. નાગરિકોનાં મોત ક્યાંય પણ થાય એ નિંદાને પાત્ર છે. બંધકોની મુક્તિના સમાચારનું આપણે સ્વાગત કરીએ છીએ અને આશા વ્યક્ત કરીએ છીએ કે ગાઝામાંથી તમામ બંધકો જલદી મુક્ત થઈ જશે. ગાઝામાં માનવીય સહાય સમયસર અને સતત પહોંચે એ જરૂરી છે. એ ખાતરી કરવી પણ જરૂરી છે કે ઇઝરાયલ અને હમાસની લડાઈ કોઈ રીતે પ્રાદેશિક લડાઈનું સ્વરૂપ ધારણ ન કરે. માનવીય કલ્યાણના દૃષ્ટિકોણથી આપણે આતંકવાદ અને હિંસાની વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કરી શકીએ છીએ.’
ગ્લોબલ સાઉથના દેશોની સમસ્યાઓ વિશે તેમણે કહ્યું હતું કે ‘ગ્લોબલ સાઉથના દેશો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે કે જેના માટે તેઓ જવાબદાર નથી, સમયની માગ છે કે આપણે ડેવલપમેન્ટ એજન્ડાને સંપૂર્ણ સાથ આપીએ. ગ્લોબલ ઇકૉનૉમિક અને ગવર્નન્સ સંસ્થાઓને ભવિષ્ય માટે રેડી બનાવવા અને વિશ્વનું યોગ્ય પ્રતિનિધિત્વ થાય એ માટે એમાં સુધારા લાવવામાં આવે. જરૂરિયાતમંદ દેશોને સમયસર અને સસ્તા દરે ઋણ અપાય.’
દુનિયાના લીડર્સે સમિટ અટેન્ડ કરી
યુરોપિયન કમિશનનાં પ્રેસિડન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન, કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન, બ્રાઝિલના પ્રેસિડન્ટ લુઇઝ ઇનસિયો લુલા ડ સિલ્વા, બંગલાદેશનાં વડા પ્રધાન શેખ હસીના તેમ જ ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડનાં મૅનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટિલિના જ્યૉર્જિવા સહિત અનેક વર્લ્ડ લીડર્સે આ વર્ચ્યુઅલ સમિટને એટન્ડ કરી હતી.
વડા પ્રધાને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામના સ્ટડી માટે G20ના દેશોને આમંત્રણ આપ્યું હતું.

