પ્રદેશ કાર્યાલય ખાતે બંધબારણે નેતાઓ સાથે કરી વન-ટુ-વન ચર્ચા
બિહારમાં નરેન્દ્ર મોદીના રોડ-શોમાં ઊમટી જનમેદની
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલથી બિહારના બે દિવસના પ્રવાસે છે. પટના ઍરપોર્ટ પર બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે હાથ જોડીને વડા પ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. અહીં પટના ઍરપોર્ટના નવા હાર્ડિંગ પાર્ક પૅસેન્જર ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યા બાદ વડા પ્રધાન મોદીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ કાર્યાલય સુધી પાંચ કિલોમીટર લાંબો રોડ-શો કર્યો હતો. ત્યાર બાદ તેમણે BJPના પ્રદેશ કાર્યાલય ખાતે અટલ સભાગારમાં બન્ને નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા, BJPના પ્રદેશ પ્રભારી વિનોદ તાવડે, પ્રદેશ અધ્યક્ષ દિલીપ જાયસવાલ, પ્રદેશ પદાધિકારીઓ, વિધાનસભ્ય, રાજ્ય સરકારમાં પ્રધાન, વિધાનસભા કાઉન્સેલરો અને સંસદસભ્યો સાથે બિહારની ચૂંટણી જીતવાની રણનીતિ પર વન-ટુ-વન ચર્ચા કરી હતી.
બેઠક બાદ સીધા રાજભવન જવાનો તેમનો કાર્યક્રમ હતો, પરંતુ અચાનક તેમનો પ્લાન બદલાયો હતો અને તેઓ સીધા નાયબ મુખ્ય પ્રધાન વિજય સિંહાના ઘરે પહોંચ્યા હતા. વિજય સિંહાના દીકરાનાં લગ્ન બીજી જૂને છે, ગઈ કાલે તેની રિંગ સેરેમનીનું આયોજન હતું. વડા પ્રધાને વર-વધૂને આશીર્વાદ આપ્યા હતા. ત્યાર બાદ તેઓ રાજભવન જવા રવાના થયા હતા.


