પી. ચિદમ્બરમની તબિયત લથડતાં તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા
પી. ચિદમ્બરમ
ગુજરાતમાં આવેલા મહેમાનોને કોઈ તકલીફ ન પડે એનું ધ્યાન રાખવાની સૂચના આપી એને પગલે રાજ્યનાઆરોગ્યપ્રધાન રૂબરૂ હૉસ્પિટલમાં ગયા
ગુજરાતના અમદાવાદમાં મંગળવારે યોજાયેલી કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમ્યાન દેશના ભૂતપૂર્વ નાણાપ્રધાન અને પીઢ કૉન્ગ્રેસી નેતા પી. ચિદમ્બરમની તબિયત લથડતાં તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. એની જાણ નરેન્દ્ર મોદીને થતાં તેમણે પી. ચિદમ્બરમની સારવારમાં કોઈ કમી ન રહે એનું ધ્યાન રાખવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમ જ કેન્દ્રીય જળશક્તિપ્રધાન અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને જરૂરી સૂચનો કર્યાં હતાં.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીએ એક ગુજરાતી તરીકે પોતાની જવાબદારી અદા કરતાં ગુજરાતમાં આવેલા મહેમાનોને કોઈ પણ તકલીફ ન પડે એને અનુલક્ષીને કેન્દ્રીય સ્વાસ્થ્યપ્રધાન જે. પી. નડ્ડાને તરત ફોન કરીને દેશના ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમની તબિયત લથડી હોવાથી આ વિષયને ધ્યાને લઈને તેમની સારવારમાં કોઈ પણ પ્રકારની કમી ન રહે એનું ધ્યાન રાખવા કહેવામાં આવ્યું હતું. જે. પી. નડ્ડાએ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ BJPના અધ્યક્ષ તેમ જ કેન્દ્રીય પ્રધાન સી. આર. પાટીલને આ વિષયે સૂચના આપીને સારવારમાં કોઈ ખામી ન રહે એ માટે ગુજરાતના આરોગ્યપ્રધાન હૃષીકેશ પટેલને સૂચના આપવા કહ્યું હતું. જેના પગલે હૃષીકેશ પટેલે અમદાવાદમાં ઝાયડસ હૉસ્પિટલમાં રૂબરૂ જઈને તેમની સારવાર માટે સૂચના આપી હતી અને તેમની તબિયત પર ધ્યાન રાખી રહ્યા છે.

