Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જજો પર વ્યક્તિગત હુમલાઓ કરવા માટે સોશ્યલ મીડિયાના ઉપયોગની ટીકા થઈ

જજો પર વ્યક્તિગત હુમલાઓ કરવા માટે સોશ્યલ મીડિયાના ઉપયોગની ટીકા થઈ

04 July, 2022 10:31 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નૂપુર શર્માની આકરી ઝાટકણી કાઢનારી સુપ્રીમ કોર્ટની બેન્ચમાં સામેલ જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે સરકારે સોશ્યલ મીડિયાને રેગ્યુલેટ કરવાનો વિચાર કરવો જોઈએ

જસ્ટિસ જે. બી. પારડીવાલા

જસ્ટિસ જે. બી. પારડીવાલા


બીજેપીનાં સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્મા વિશે સુપ્રીમ કોર્ટની એક બેન્ચનાં ઑબ્ઝર્વેશનને ખૂબ જ ધ્યાનમાં લેવામાં આવ્યાં છે. આ બેન્ચમાં સામેલ એક જજે જજો પર તેમનાં જજમેન્ટ્સ બદલ કરવામાં આવતા વ્યક્તિગત હુમલાઓની આકરી ટીકા કરી હતી.

પયગંબર મોહમ્મદ વિશેની કમેન્ટ્સ બદલ નૂપુર શર્માએ સમગ્ર દેશની માફી માગવી જોઈએ એમ જણાવનારી બેન્ચમાં સામેલ જસ્ટિસ જે. બી. પારડીવાલાએ ગઈ કાલે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ‘જજો પર તેમનાં જજમેન્ટ્સ બદલ વ્યક્તિગત હુમલાઓ કરવાથી ભયજનક સ્થિતિ સરજાઈ શકે છે.’



નૂપુરની અરજી પરની સુનાવણી દરમ્યાન તેમના વિરુદ્ધની મૌખિક કમેન્ટ્સ બાદ યુઝર્સ દ્વારા સોશ્યલ મીડિયા પર જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ સૂર્યકાંત બન્નેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.


નૂપુરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને દેશભરમાં જુદી-જુદી જગ્યાઓએ તેમની વિરુદ્ધના એફઆઇઆરને જોડીને દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની માગણી કરી હતી. તેમણે તેમની અરજીમાં જણાવ્યું હતું કે તેમને અને તેમના પરિવારને સુરક્ષાનો ખતરો છે અને તેમને પ્રોટેક્શનની જરૂર છે.

હવે એક કાર્યક્રમમાં જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે ‘જજો પર તેમનાં જજમેન્ટ્સ બદલ વ્યક્તિગત હુમલાઓ એવી ભયજનક સ્થિતિ તરફ દોરી શકે છે કે જ્યાં જજોએ એમ વિચારવું પડે કે કાયદો ખરેખર શું કહે છે એના બદલે મીડિયા શું વિચારે છે એના વિશે વિચારવું પડે. એનાથી કાયદાના શાસનને નુકસાન પહોંચે છે. અધૂરું સત્ય, અધૂરી જાણકારી રાખનારા લોકો તેમ જ કાયદાના શાસન, પુરાવા અને ન્યાયિક પ્રક્રિયા અને મર્યાદાઓને ન સમજનારા લોકો હાવી થઈ ગયા છે.’


તેમણે જણાવ્યું હતું કે સરકારે સોશ્યલ મીડિયાને રેગ્યુલેટ કરવાનો વિચાર કરવો જોઈએ. આધુનિક યુગમાં સંવેદનશીલ મામલે સોશ્યલ મીડિયા દ્વારા ટ્રાયલ ન્યાયિક પ્રક્રિયામાં અયોગ્ય હસ્તક્ષેપ છે અને સંસદે એના નિયમન માટે કાયદો લાવવો જોઈએ. અનેક વખત લક્ષ્મણરેખાનો ભંગ થાય છે.

તેમણે વધુ કહ્યું હતું કે ભારત સંપૂર્ણપણે પરિપક્વ અને શિ​ક્ષિત લોકશાહી નથી. અહીં વિચારોને પ્રભાવિત કરવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  

તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે ‘વિવાદો વિશે નિર્ણય કરતી વખતે જજ કદાચ ગભરાઈ જાય એ કાયદાના શાસનની વિરુદ્ધ છે. એ બાબત કાયદાના શાસનની તંદુરસ્તી માટે યોગ્ય નથી.’

નૂપુર વિશે કાયદાપ્રધાને ‘નો કમેન્ટ્સ’ કહીને આપી કમેન્ટ્સ

સુપ્રીમ કોર્ટે પયગંબર મોહમ્મદ વિશેની વિવાદાસ્પદ કમેન્ટ્સ કરવા બદલ બીજેપીનાં સસ્પેન્ડ કરવામાં આવેલાં પ્રવક્તા નૂપુર શર્માની આકરી ઝાટકણી કાઢ્યા બાદ કેન્દ્રીય કાયદાપ્રધાન કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે ‘તેઓ યોગ્ય મંચ પર આ મુદ્દાની ચર્ચા કરશે.’ હૈદરાબાદમાં તેમણે જણાવ્યું હતું કે ‘સૌપ્રથમ તો કાયદાપ્રધાન તરીકે સુપ્રીમ કોર્ટની બેન્ચના ઑબ્ઝર્વેશન અને સાથે આ ચુકાદા પર કમેન્ટ કરવી એ મારા માટે યોગ્ય નથી. મને જજમેન્ટ ન ગમે તો પણ અને જે રીતે ઑબ્ઝર્વેશન કરવામાં આવ્યાં હતાં એની સામે મને ગંભીર વાંધો હોય તો પણ મને કમેન્ટ કરવાનું નહીં ગમે.’ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક ટીવી ડિબેટમાં વાંધાજનક કમેન્ટ્સ કરવા બદલ નૂપુર શર્માની આકરી ટીકા કરી હતી અને સાથે જ દેશભરમાં એને કારણે વ્યાપેલી હિંસા માટે માત્ર તેને જવાબદાર ગણાવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2022 10:31 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK