બિહારમાં જાતિઆધારિત વસ્તીગણતરીનો પહેલો રાઉન્ડ ૭થી ૨૧ જાન્યુઆરીની વચ્ચે શરૂ થયો હતો તો બીજો રાઉન્ડ ૧૫ એપ્રિલે શરૂ થયો હતો જે ૧૫ મે સુધી ચાલવાનો હતો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
બિહાર સરકારના જાતિઆધારિત વસ્તીગણતરી કરવાના કાર્યક્રમને અટકાવવાના પટના હાઈ કોર્ટે આપેલા વચગાળાના આદેશને સુપ્રીમ કોર્ટે યથાવત્ રાખ્યો છે. બિહારમાં જાતિઆધારિત વસ્તીગણતરીનો પહેલો રાઉન્ડ ૭થી ૨૧ જાન્યુઆરીની વચ્ચે શરૂ થયો હતો તો બીજો રાઉન્ડ ૧૫ એપ્રિલે શરૂ થયો હતો જે ૧૫ મે સુધી ચાલવાનો હતો. ન્યાયાધીશે કહ્યું હતું કે ‘સર્વેની આડમાં વસ્તીગણતરી છે કે કેમ એ ચકાસવું પડશે. ઘણાબધા દસ્તાવેજો એ દર્શાવે છે કે આ એક વસ્તીગણતરી છે. એક પણ ઘટના એવી નથી જેમાં રાજ્ય સરકારને રાહત આપી શકાય.’ હાઈ કોર્ટે આ અરજીની સુનાવણી ત્રીજી જુલાઈએ રાખી હતી. બિહાર સરકાર તરફથી હાજર રહેલા વકીલે એવી દલીલ કરી હતી કે વર્તમાન કવાયત વસ્તીગણતરી નથી પરંતુ માત્ર સ્વૈચ્છિક કવાયત છે. અગાઉ હાઈ કોર્ટે આ સર્વેને અટકાવતાં કહ્યું હતું કે ‘અમારા મતે રાજ્ય પાસે જાતિઆધારિત સર્વેક્ષણ હાથ ધરવાની કોઈ સત્તા નથી. રાજ્ય સરકાર જે કંઈ કરે છે એ વસ્તીગણતરી છે. આમ આ તો કેન્દ્રની સત્તા પર એ અસર કરે છે.’