રાત્રે દોઢથી સવારે પાંચ વાગ્યા સુધી ઘરનો દરવાજો ન ખોલ્યો અને એ દરમ્યાન ૨૦ લાખ રૂપિયાની નોટો સળગાવતી રહી, રાખ ટૉઇલેટમાં ફ્લશ કરતી રહી
દરોડા દરમિયાન છત પરથી પૉલિથિનમાં ૪૦ લાખ રોકડા મળી આવ્યા હતા.
બિહારના પટનામાં ઇકૉનૉમિક ઑફેન્સિસ યુનિટ (EOU)એ ગ્રામીણ બાંધકામ વિભાગમાં સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર તરીકે કાર્યરત વિનોદકુમાર રાયના ભૂતનાથ રોડ પર આવેલા નિવાસસ્થાને દરોડા પાડ્યો એમાં લાખો રૂપિયાની રોકડ, લાખો રૂપિયાના દાગીના અને ઘડિયાળો જપ્ત કર્યાં હતાં. EOU ટીમથી બચવા માટે વિનોદકુમાર રાયની પત્નીએ આશરે ૨૦ લાખ રૂપિયાની ચલણી નોટોમાં આગ લગાવી દીધી હતી. ટીમે અડધી બળી ગયેલી નોટો પણ જપ્ત કરી છે.
પત્નીએ નોટો સળગાવી
ટીમ દરોડા પાડવા ગઈ ત્યારે એન્જિનિયરની પત્નીએ કલાકો સુધી દરોડા પાડવાથી ટીમને રોકી રાખી હતી. આવી સ્થિતિમાં ટીમ રાત્રે ૧.૩૦થી સવારે પાંચ વાગ્યા સુધી વિનોદકુમાર રાયના ઘરની બહાર ગેટ ખૂલવાની રાહ જોતી રહી. આ સમય દરમ્યાન એન્જિનિયરની પત્ની બાથરૂમમાં ૫૦૦ રૂપિયાની નોટો સળગાવતી રહી. તે રાખને શૌચાલયમાં પણ ફ્લશ કરતી રહી. બાદમાં તેણે બાકીના ૪૦ લાખ રૂપિયા પૉલિથિનમાં નાખ્યા અને છત પર જઈને પાણીની ટાંકીમાં નાખ્યા હતા.
ADVERTISEMENT
સુધરાઈને બોલાવવી પડી
શુક્રવારે સવારે EOUની ટીમ ઘરમાં પ્રવેશી ત્યારે અવાચક થઈ ગઈ હતી. સવારે પટના સુધરાઈની ટીમને બોલાવવામાં આવી હતી અને શૌચાલયમાંથી બળી ગયેલી નોટો બહાર કાઢવામાં આવી હતી. છત પરથી પાણીની ટાંકીમાં પૉલિથિનમાં બાંધેલા ૪૦ લાખ રૂપિયા મળી આવ્યા હતા. સંપૂર્ણ તપાસમાં જમીન અને બૅન્ક-ડિપોઝિટના ઘણા દસ્તાવેજો મળ્યા હતા. ૧૨થી વધુ બૅન્ક-લૉકરમાંથી દાગીના પણ મળ્યા છે. ૧.૫ લાખની એક એવી ઘણી મોંઘી ઘડિયાળો મળી આવી હતી. એક ઘડિયાળની કિંમત ૬.૫ લાખ રૂપિયા હતી. આ ઉપરાંત ૨૦ લાખ રૂપિયાનાં ઘરેણાં અને ત્રણ નવા આઇફોન પણ મળી આવ્યાં હતાં.
પત્ની બીમાર પડી
આ દરમ્યાન એન્જિનિયરની પત્ની પણ બીમાર પડી ગઈ હતી. ત્યાર બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દરોડામાં જાણવા મળ્યું કે પત્ની બબલી રાયના નામે ઘણી મિલકતો અને બૅન્ક-ખાતાં પણ છે.


