આ કેસ પચીસ વર્ષની કુમારી પૂજાનો હતો જેને તેની મમ્મી દ્વારા કોર્ટ સમક્ષ હાજર કરવા માટેની માગણી બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
અલાહાબાદ હાઈ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું કે માતા-પિતા તેમની પુખ્ત પુત્રીને તેની ઇચ્છા વિરુદ્ધ સાથે રહેવા માટે ફરજ પાડવા માટે હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરી શકતાં નથી. કોર્ટે જણાવ્યું હતું કે હેબિયસ કૉર્પસ અરજીનો અધિકારક્ષેત્ર ગેરકાયદેસર અથવા ગેરકાનૂની રીતે અટકાયતમાંથી રાહત અપાવવાનો છે અને જ્યારે ગેરકાયદેસર અટકાયતનો કેસ સાબિત ન થાય ત્યારે એની અરજી કરી શકાતી નથી.
આ કેસ પચીસ વર્ષની કુમારી પૂજાનો હતો જેને તેની મમ્મી દ્વારા કોર્ટ સમક્ષ હાજર કરવા માટેની માગણી બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. પૂજાએ કોર્ટને જણાવ્યું હતું કે તે દિલ્હીમાં પોતાની મરજીથી સ્વતંત્ર રીતે રહે છે અને તેને ગેરકાયદેસર રીતે બંધક બનાવવામાં આવી નથી. ઉત્તર પ્રદેશના મઉનાં રહેવાસી કલાવતીની અરજીને ફગાવી દેતાં ન્યાયાધીશ સંદીપ જૈને કહ્યું કે પચીસ વર્ષની મહિલા તેની પસંદગીની જગ્યાએ અને તેની પસંદગીની વ્યક્તિ સાથે રહેવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.
ADVERTISEMENT
માતા કલાવતી દ્વારા દાખલ કરાયેલી હેબિયસ કૉર્પસ અરજીની સુનાવણી કરતાં કોર્ટે રાજ્ય સરકારને ૧૭ ઑગસ્ટે તેની પુત્રીને રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટમાં હાજર થવા દરમ્યાન પૂજાએ જણાવ્યું હતું કે તે પોતાની સ્વતંત્ર ઇચ્છાથી દિલ્હીમાં મુક્તપણે રહે છે અને કોઈ ગેરકાયદેસર અટકાયતમાં નથી. તેણે કોર્ટને જણાવ્યું હતું કે તે માતા સાથે રહેવા માગતી નથી. તેણે આરોપ લગાવ્યો હતો કે તેની માતાનો તેના પ્રત્યેનો વ્યવહાર સૌહાર્દપૂર્ણ નહોતો અને વારંવાર તેને અપશબ્દો બોલવામાં આવતા હતા અને મારપીટ કરવામાં આવતી હતી.
જોકે માતાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા અને પોતાની દીકરી તેનાં માતા-પિતાના ઘરમાં રહે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે સ્ત્રીની સ્વાયત્તતા અને વ્યક્તિગત નિર્ણયો લેવાની સ્વતંત્રતાને યોગ્ય માન્યતા આપવી જોઈએ. કોઈ પણ પુખ્ત વ્યક્તિને તેની વ્યક્ત કરેલી ઇચ્છા વિરુદ્ધ કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે રહેવા માટે દબાણ કરી શકાતું નથી, કારણ કે તે તેનાં માતા-પિતા છે.
