૧૯૭૧માં પાકિસ્તાનના બે ટુકડા કર્યા હતા એ યાદ દેવડાવીને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે નૌકાદળની અસીમિત તાકાતનો પરિચય આપ્યો
ગઈ કાલે પણજીમાં ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ INS વિક્રાંત પર નેવીના ઑફિસરો સાથે
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે જણાવ્યું હતું કે ઑપરેશન સિંદૂર વખતે ભારત પાસે પાકિસ્તાનને ચાર અલગ-અલગ ભાગોમાં વિભાજિત કરવાની ક્ષમતા હતી.
રાજનાથ સિંહે ગઈ કાલે પણજીમાં ઇન્ડિયન નેવી શિપ (INS) વિક્રાંતની મુલાકાત લીધી હતી અને નેવીના ઑફિસરોને મળ્યા હતા. ૧૯૭૧માં બંગલાદેશનું નિર્માણ કરવાના યુદ્ધમાં નૌકાદળની મહત્તા પર ભાર મૂકતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ‘જ્યારે ૧૯૭૧માં આપણા ભારતીય નૌકાદળને એકત્ર કરવામાં આવ્યું હતું ત્યારે પાકિસ્તાનના બે ટુકડા કરી દેવામાં આવ્યા હતા. જો નૌકાદળે ઑપરેશન સિંદૂરમાં એની સંપૂર્ણ તાકાત બતાવી હોત તો પાકિસ્તાન બે નહીં પણ અત્યાર સુધીમાં ચાર ભાગમાં વિભાજિત થઈ ગયું હોત.’
ADVERTISEMENT
ભવિષ્યમાં લશ્કરી કાર્યવાહીનો સંકેત આપતાં સંરક્ષણપ્રધાને પાકિસ્તાનને ચેતવણી આપીને કહ્યું હતું કે ‘અત્યાર સુધી જે બન્યું છે એ ફક્ત એક વૉર્મ-અપ હતું. જો ફરીથી જરૂર પડશે તો નૌકાદળને પણ ઑપરેશનમાં સામેલ કરવામાં આવશે. ત્યારે ફક્ત ભગવાન જાણે છે કે પાકિસ્તાનનું શું થશે.’
નૌકાદળની પ્રસંશા કરતાં રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘જે રીતે નૌકાદળ આપણી દરિયાઈ સરહદોનું રક્ષણ કરે છે, હિન્દ મહાસાગરમાં દરેક ગતિવિધિ પર નજર રાખે છે એ અદ્ભુત છે. જો તમારી ક્ષમતા ઑપરેશન સિંદૂરનો ભાગ હોત તો પાકિસ્તાનનું શું થયું હોત એ કહેવાની જરૂર નથી. એક રીતે, પાકિસ્તાન ખૂબ નસીબદાર છે કે આપણા નૌકાદળે ઑપરેશન સિંદૂર દરમ્યાન પોતાની બહાદુરી દર્શાવી નહોતી.’
ઑપરેશન સિંદૂરમાં ભારતીય નૌકાદળના ઝડપી અને નિર્ણાયક રિસ્પૉન્સ પર પ્રકાશ પાડતાં રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘પહલગામ આતંકવાદી હુમલાના ૯૬ કલાકની અંદર સમુદ્રમાં તહેનાત વેસ્ટર્ન કમાન્ડનાં જહાજોએ પશ્ચિમ અને પૂર્વ કિનારા પર સરફેસ-ટુ-સરફેસ અને સરફેસ-ટુ-ઍર મિસાઇલો અને ટૉર્પિડોનાં અનેક સફળ ફાયરિંગ કર્યાં હતાં. આ ઝડપી પ્રદર્શન આપણાં પ્લૅટફૉર્મ, સિસ્ટમ્સ અને ક્રૂની લડાઈ-તૈયારી પર ભાર મૂકે છે.’

