પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતના વલણથી પાકિસ્તાન ડરી ગયું છે. પાકિસ્તાન સરકારને ડર છે કે ભારત ગમે ત્યારે ઍર-સ્ટ્રાઇક કરી શકે છે
ભારતીય વાયુસેના
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતના વલણથી પાકિસ્તાન ડરી ગયું છે. પાકિસ્તાન સરકારને ડર છે કે ભારત ગમે ત્યારે ઍર-સ્ટ્રાઇક કરી શકે છે અને આ હવાઈ હુમલા ખૈબર પખ્તૂનખ્વા સુધી થઈ શકે છે. એને લઈને ખૈબર પખ્તૂનખ્વાના સિવિલ ડિફેન્સ વિભાગે રાજ્યના તમામ ૨૯ જિલ્લાને આદેશ આપ્યો છે કે ઇલેક્ટ્રિક સાઇરન તહેનાત કરવામાં આવે અને જ્યાં સાઇરનમાં ખામી છે એને અત્યારથી જ ઠીક કરાવી લેવામાં આવે જેથી કોઈ પણ હુમલાની સ્થિતિમાં જનતાને અલર્ટ કરી શકાય.
પાકિસ્તાનના ૨૯ જિલ્લામાં કુલ ૫૦ ઇલેક્ટ્રિક સાઇરનની વ્યવસ્થા છે. ખૈબરના સિવિલ નિર્દેશાલયે તમામ જિલ્લાના ડેપ્યુટી કમિશનરને પત્ર લખી કહ્યું છે કે ‘યુદ્ધની સ્થિતિમાં સાઇરન મુખ્ય હોય છે. એનાથી આપણા લોકોને અલર્ટ કરવું સરળ રહેશે જેથી તેમને તૈયાર રાખવામાં આવે. વૉર્નિંગ સિસ્ટમ વિના આપણે લોકોને કઈ રીતે સતર્ક કરી શકીશું? દુશ્મનના હુમલાના સમયે લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવા અને તૈયારી માટે અલર્ટ કરવામાં સાઇરન મુખ્ય હશે. એ માટે કુલ ૫૦ ઇલેક્ટ્રિક સાઇરન રાજ્ય સરકારે ખરીદ્યાં છે અને એને જિલ્લાઓમાં વહેંચવામાં આવશે.
ADVERTISEMENT
તનાવ વચ્ચે વાયુસેનાએ કર્યું શક્તિ પ્રદર્શન : દેશના ઇતિહાસમાં પહેલી વાર ફાઇટર વિમાનોએ એક્સપ્રેસવે પર કર્યું નાઇટ-લૅન્ડિંગ
ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે ભારતીય વાયુસેનાએ શુક્રવારે ગંગા એક્સપ્રેસવે પર શક્તિ પ્રદર્શન કર્યું હતું. શાહજહાંપુરના જલાલાબાદમાં બનાવવામાં આવેલા હવાઈ મથક પર રફાલ, જૅગ્વાર, મિગ-29, મિરાજ-200, સુખોઈ-30 જેવાં ફાઇટર વિમાનો ઉતારવામાં આવ્યાં હતાં. તાળીઓના ગડગડાટ વચ્ચે ફાઇટર પ્લેનની ગર્જનાએ ત્યાં હાજર લોકોનાં હૃદયમાં ઉત્સાહ પેદા કર્યો હતો. ગઈ કાલે બપોરથી બરેલીના ત્રિશૂલ ઍરબેઝ પરથી ઉડાન ભર્યા પછી ઇન્ડિયન ઍરફોર્સનાં IAF વિમાનો અને હેલિકૉપ્ટર ગંગા એક્સપ્રેસવેના રનવે પર ટચ ઍન્ડ ગો કરતાં રહ્યાં હતાં. સૈનિકોએ દોરડાની મદદથી MI-17 V-5 હેલિકૉપ્ટરમાંથી નીચે ઊતરવાની પ્રૅક્ટિસ કરી હતી. દેશના ઇતિહાસમાં પહેલી વાર ફાયર વિમાનોએ એક્સપ્રેસવે પર નાઇટ-લૅન્ડિંગ કર્યું હતું જેને લઈને કટરા-જલાલાબાદ હાઇવે આ લૅન્ડિંગ દરમ્યાન સાંજે ૭થી રાતે દસ વાગ્યા સુધી સંપૂર્ણપણે બંધ હતો.


