આમ કહીને વડા પ્રધાન મોદીના ભાષણને વખોડતાં વિપક્ષોએ કહ્યું કે પીએમને કૉન્ગ્રેસ સિવાય બીજું કંઈ સૂઝ્યું નહીં
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : રાષ્ટ્રપતિના પ્રવચનનો આભાર માનતી દરખાસ્ત ઉપર ચર્ચા વિચારણામાં પોતાના જવાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્ત્વના પ્રશ્નો ઉપર ધ્યાન આપ્યું ન હતું બલ્કે કોંગ્રેસને લક્ષ્ય બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, એમ વિપક્ષી નેતાઓએ બુધવારે જણાવ્યું હતું. તૃણમૂળ કોંગ્રેસના નેતા ડેરેક બ્રાયને વડા પ્રધાનના નિવેદનને મનકી બાતની રાજ્યસભાની આવૃત્તિ તરીકે ઓળખાવ્યું હતું અને જણાવ્યું હતું કે સંસદ ડાર્ક ડીપ ચેમ્બરમાં પરિવર્તીત થઇ છે. રોજગારી, ભાવ વધારા અને મણિપુર અંગે કોઇ ગેરન્ટી આપવામાં આવી ન હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ અનામતનો વિરોધ કર્યો હોવાની મોદીની ટિપ્પણ ઉપર કોંરેસના નેતા રાજીવ શુક્લાએ વળતો પ્રહાર કર્યો હતો અને જણાવ્યું હતું કે દેશના પ્રથમ વડા પ્રધાનના નેતૃત્વ હેઠળની સરકારે અનામતનો અમલ કર્યો હતો. કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે.સી.વેણુગોપાલે જણાવ્યું હતું કે વડા પ્રધાનના નિવેદને દર્શાવ્યું છે કે ભાજપ કોંગ્રસથી ભયભીત છે અને અનામત અંગે આરએસએસના વિચારો વડા પ્રધાન જાણે છે કે કેમ એવો પ્રશ્ન તેમણે કર્યો હતો.

