અમારા દરેક સંસદસભ્ય VIP છે, બધા અંદર જશે એમ કહીને બૅરિકેડ પર ચડી ગયેલા સંસદસભ્યોને અંતે પોલીસે અટકાયતમાં લીધા, બે કલાકમાં છોડી મૂક્યા : બિહારમાં SIR વિરુદ્ધ સંસદની અંદર-બહાર નૉનસ્ટૉપ ડ્રામા
બિહારમાં મતદારયાદી સુધારણાના વિરોધમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના વિપક્ષી સંસદસભ્યોએ ગઈ કાલે સંસદભવનથી ચૂંટણીપંચના મુખ્યાલય સુધી કૂચ કાઢી હતી. જોકે પોલીસે તેમને અધવચ્ચે જ અટકાવી દીધા હતા.
બિહારમાં મતદારયાદી સુધારણાના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના વિરોધમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને શરદ પવાર સહિતના વિપક્ષી સંસદસભ્યોએ ગઈ કાલે સંસદભવનથી ચૂંટણીપંચના મુખ્યાલય સુધી કૂચ કાઢી હતી. જોકે પોલીસે તેમને અધવચ્ચે જ અટકાવી દીધા હતા.
SIR અને વોટ-ચોરી શબ્દો પર લાલ ચોકડીવાળી સફેદ ટોપી પહેરીને વિરોધ કરી રહેલા સંસદસભ્યોએ બિહારમાં SIR કવાયત વિરુદ્ધ પ્લૅકાર્ડ અને બૅનરો લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે સંસદ માર્ગ પર બૅરિકેડ્સ લગાવી દીધાં હતાં.
ADVERTISEMENT
અટકાયતમાં લેવામાં આવેલા સંસદસભ્યોને બે કલાક બાદ છોડી મૂકવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં પોલીસ-અધિકારીઓએ જણાવ્યું હતું કે ગઈ કાલે ચૂંટણીપંચની ઑફિસ તરફ જતા તમામ વિપક્ષી સંસદસભ્યોને લગભગ બે કલાક પછી છોડી મૂકવામાં આવ્યા હતા. ચૂંટણીપંચે ફક્ત ૩૦ સંસદસભ્યોને તેમના પરિસરમાં પ્રવેશવાની પરવાનગી આપી હતી, પરંતુ વિરોધીઓ મોટી સંખ્યામાં હતા. આ ઉપરાંત કોઈએ ચૂંટણીપંચ તરફ વિરોધ-કૂચ માટે પરવાનગી માગી નહોતી.
કોણ-કોણ હાજર હતું?
કૂચમાં ભાગ લેનારાઓમાં ટી. આર. બાલુ (DMK), સંજય રાઉત (શિવસેના-UBT), ડેરેક ઓબ્રાયન (TMC), કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ તેમ જ DMK, RJD, ડાબેરી પક્ષો જેવા વિરોધ પક્ષોના અન્ય સંસદસભ્યોનો સમાવેશ થતો હતો. TMCનાં સંસદસભ્યો મહુઆ મોઇત્રા અને સુષ્મિતા દેવ અને કૉન્ગ્રેસનાં સંજના જાટવ અને જોતિમણિને પોલીસે આગળ વધતાં અટકાવ્યાં ત્યારે તેઓ ટ્રાન્સપોર્ટ ભવન ખાતે બૅરિકેડ પર ચડી ગયાં હતાં અને ચૂંટણીપંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ રાજકીય નહીં, પણ બંધારણ બચાવવા માટેની લડત : રાહુલ ગાંધી
લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી સંસદસભ્યોની વિરોધ-કૂચ દરમ્યાન અટકાયત કરવામાં આવી હતી અને તેમને બસોમાં સંસદ સ્ટ્રીટ પોલીસ-સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાહુલ ગાંધીએ પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે ‘આ લડાઈ રાજકીય નથી, પણ એનો ઉદેશ બંધારણને બચાવવા માટેનો છે. આ લડાઈ ‘એક માણસ, એક મત’ માટે છે અને અમે સ્વચ્છ, શુદ્ધ મતદારયાદી ઇચ્છીએ છીએ. તેઓ વાત કરી શકતા નથી, કારણ કે સત્ય સમગ્ર રાષ્ટ્ર સમક્ષ છે.’

TMCનાં મહુઆ મોઇત્રા અને કૉન્ગ્રેસનાં સાંસદ સંજના જાટવ બૅરિકેડ ઓળંગીને ઇલેક્શન કમિશનની ઑફિસ તરફ આગળ વધ્યાં હતાં.

મહુઆ મોઇત્રા અને મિતાલી બાગ બેભાન થયાં
વિરોધ-પ્રદર્શન દરમ્યાન તૃણમૂલ કૉન્ગ્રેસનાં મહુઆ મોઇત્રા અને મિતાલી બાગ બેભાન થઈ ગયાં હતાં અને રાહુલ ગાંધીએ તેમને મદદ કરી હતી. તેમણે કહ્યું હતું કે ચૂંટણીપંચ પાસે અમારી માગણી ખૂબ જ સ્પષ્ટ હતી, બધા વિપક્ષી સંસદસભ્યો શાંતિપૂર્ણ કૂચ કરી રહ્યા છે, કૂચના અંતે અમે સામૂહિક રીતે SIR અને અન્ય મુદ્દાઓ પર એક મેમોરેન્ડમ રજૂ કરવા માગીએ છીએ. અમને રોકવામાં આવ્યા છે. સંસદની સામે જ લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે, લોકશાહીની હત્યા થઈ રહી છે.
ચૂંટણી અધિકારીઓ મતોની લૂંટ મચાવે છે : અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ચૂંટણીપંચ પર ઉત્તર પ્રદેશની ચૂંટણી સહિત મોટા પાયે થયેલી ગેરરીતિઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો કે અધિકારીઓએ મત-લૂંટ માટે શાસક BJP સાથે સાઠગાંઠ કરી હતી. અમારી પાર્ટીએ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી વિશે ફરિયાદ કરી હતી.
ચુનાવ આયોગ ‘ચુરાવો’ આયોગ ન બની શકે : જયરામ રમેશ
વિપક્ષી સંસદસભ્યોને પોલીસે ચૂંટણીપંચ તરફ જતા રસ્તા પર અધવચ્ચે જ રોકી દીધા હતા અને તેમને રસ્તા પર લાઇનસર ઊભી રાખેલી બસોમાં બેસાડીને સંસદ માર્ગ પોલીસ-સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. બાદમાં બધા સંસદસભ્યોને છોડી દેવામાં આવ્યા હતા. આ વખતે કૉન્ગ્રેસના જયરામ રમેશે કહ્યું હતું કે ચુનાવ આયોગ એ ચુનાવ આયોગ છે, એ ચુરાવો આયોગ ન બની શકે.


