સંસદના પરિસરમાંથી મોરચો લઈને ગયેલા વિપક્ષોને ઈડીની ઑફિસમાં જતાં રોકવામાં આવતાં ખડગેએ ઈ-મેઇલ કરી

અદાણી મામલે ઈડીની ઑફિસમાં ફરિયાદ કરવા માટે ગઈ કાલે વિપક્ષી સંસદસભ્યોએ નવી દિલ્હીના સંસદ પરિસરમાંથી માર્ચ કાઢી હતી. તસવીર પી.ટી.આઇ.
નવી દિલ્હી : કૉન્ગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ ૧૬ પક્ષો વતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) ને ઈ-મેઇલ કરી અદાણી ગ્રુપ સામે તરત પગલાં લેવાની માગ કરી હતી. આ તમામ ઈડીને હાથોહાથ પત્ર આપવા માગતા હતા, પરંતુ તેમને ત્યાં જતાં રોકવામાં આવ્યા હતા. સંસદ પરિસરમાંથી ઈડી ઑફિસ સુધી માર્ચ કરવાના વિપક્ષના નેતાઓના એલાન બાદ તેમને ત્યાં જતા રોકવા માટે પોલીસને તહેનાત કરવામાં આવી હતી તેમ જ ઠેર-ઠેર આડશો મૂકવામાં આવી હતી. ઈડી પરિસરમાં કલમ ૧૪૪ લાગુ પાડવામાં આવી હતી, જેના અંતર્ગત ચારથી વધુ લોકો પર ભેગા થવા પર પ્રતિબંધ મુકાયો હતો. રૅલીની આગેવાની કરનાર ખડગેએ કહ્યું હતું કે ‘પોલીસે તેમને ઑફિસ જતાં રોક્યા હતા, કારણ કે સરકાર અદાણી મામલે તપાસ કરાવવા માગતી નહોતી.’
વિપક્ષ દ્વારા અદાણી ગ્રુપમાં રોકાણને લઈને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અને એલઆઇસીને ગયેલી ખોટને કારણે સરકારને ઘેરી રહી છે. તેમ જ તેમના આક્ષેપોની તપાસ માટે સંયુક્ત સંસદીય પૅનલ બનાવવાની માગ કરી છે. જાન્યુઆરીમાં અમેરિકાસ્થિત શૉર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રુપે વિદેશમાં બોગસ કંપનીઓની મદદથી સ્ટૉકના ભાવમાં ખોટી રીતે વધારો કર્યાનો આક્ષેપ મૂક્યો હતો. આક્ષેપ બાદ અદાણી ગ્રુપના શૅરોના ભાવમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો હતો. અદાણી ગ્રુપે જોકે આ આક્ષેપોને નકારી કાઢ્યા હોવા છતાં સસંદના બજેટ સત્રમાં આ મામલે વિપક્ષોએ ભારે શોરબકોર કર્યો હતો.
ઈડીને લખેલા પત્રમાં વિપક્ષોએ આ મામલે તપાસની માગણી કરી હતી. તેમ જ એની અસર માત્ર અર્થવ્યવસ્થા પર જ નહીં, પરંતુ લોકશાહી પર પણ પડી છે. કેસમાં કૉર્પોરેટ ફ્રૉડ, રાજકીય ભ્રષ્ટાચાર, શૅરના ભાવમાં હેરાફેરી તેમ જ એક કૉર્પોરેટ જૂથને ફાયદો પહોંચાડવા માટે જાહેર સંસાધનોનો દુરુપયોગ કરવાના આરોપો મૂક્યા હતા. વધુમાં અદાણી ગ્રુપ દ્વારા અદીકૉર્પ નામક કંપનીનાં નાણાં ઉધાર પર આપવામાં આરોપ મુકાયા હતા, જે બાદમાં અદાણી પાવરને મોકલવામાં આવ્યા હતા.