નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગઠબંધનને ગાંધીજીની ‘રામભક્તિ’ની યાદ અપાવી અને સાથે કહ્યું કે ‘આ ઘમંડિયા ગઠબંધનના લોકો સનાતન પરંપરાને સમાપ્ત કરવા ઇચ્છે છે’
બિનામાં ગઈ કાલે બિના રિફાઇનરી ખાતે પેટ્રોકેમિકલ્સ કૉમ્પ્લેક્સના શિલાન્યાસ દરમ્યાન એક એક્ઝિબિશનની વિઝિટ કરી રહેલા પીએમ નરેન્દ્ર મોદી (તસવીર : પી.ટી.આઇ.)
ડીએમકે સહિત કેટલીક પાર્ટીઓના લીડર્સનાં સનાતન ધર્મ વિરોધી સ્ટેટમેન્ટ્સને લઈને સરજાયેલા વિવાદ બાબતે હવે પીએમ નરેન્દ્ર મોદીએ પહેલી વખત રીઍક્શન આપ્યું છે. તેમણે આરોપ મૂક્યો હતો કે ઇન્ડિયા ગઠબંધનની મુંબઈની બેઠકમાં સંકલ્પ લેવામાં આવ્યા બાદ આ પ્રકારના હુમલા કરવામાં આવી રહ્યા છે. મધ્ય પ્રદેશના બીનામાં પેટ્રોકેમિકલ કૉમ્પ્લેક્સનો શિલાન્યાસ કર્યા બાદ વડા પ્રધાને એક તરફ G20 સમિટના સફળ આયોજનનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે બીજી તરફ વિરોધ પક્ષોની આકરી ટીકા કરી હતી.
પીએમ મોદીએ ઇન્ડિયા ગઠબંધનને ઘમંડિયા ગઠબંધન ગણાવીને કહ્યું હતું કે ‘આ ગઠબંધનના નેતા નક્કી નથી, પરંતુ સનાતનના વિરોધનો સંકલ્પ લીધો છે. એક બાજુ ભારત દુનિયાને જોડવાની ક્ષમતા બતાવી રહ્યું છે ત્યારે બીજી તરફ કેટલીક પાર્ટીઓ દેશના, સમાજના ભાગલા પાડવામાં વ્યસ્ત છે. તેમણે મળીને ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું. આ ગઠબંધનની મુંબઈમાં જે મીટિંગ યોજાઈ હતી એમાં મને લાગે છે કે તેમણે ઘમંડિયા ગઠબંધન કેવી રીતે કામ કરશે એની નીતિ અને વ્યૂહરચના બનાવી હતી. તેમણે તેમનો હિડન એજન્ડા નક્કી કર્યો હતો. તેમની નીતિ ભારતીય સંસ્કૃતિ પર હુમલા કરવાની છે.’
ADVERTISEMENT
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘આ ઘમંડિયા ગઠબંધન સનાતન પરંપરાને સમાપ્ત કરવાનો સંકલ્પ લઈને આવ્યા છે. ગાંધીજી જે સનાતનને આખી જિંદગી માન્યા અને તેમને ભગવાન શ્રીરામે સમગ્ર જિંદગી પ્રેરણા આપી હતી અને તેમના અંતિમ શબ્દો હે રામ હતા. આ ઘમંડિયા ગઠબંધનના લોકો એ સનાતન પરંપરાને સમાપ્ત કરવા ઇચ્છે છે.’
એ લોકો સનાતનને નાબૂદ કરીને દેશને વધુ એક વખત એક હજાર વર્ષની ગુલામીમાં ધકેલવા ઇચ્છે છે
‘ઘમંડિયા ગઠબંધન’ પર વધુ શાબ્દિક હુમલા કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે ‘આગામી સમયમાં આવા હુમલા વધશે. આ લોકો મળીને હવે સનાતનને નષ્ટ કરવા ઇચ્છે છે. આ લોકોએ જાહેરમાં બોલવાનું શરૂ કર્યું છે, હુમલા કરવાનું શરૂ કર્યું છે. દેશના ખૂણેખૂણામાં દરેક સનાતનીએ, આ દેશને પ્રેમ કરનારાએ સતર્ક રહેવાની જરૂર છે. એ લોકો સનાતનને નાબૂદ કરીને દેશને વધુ એક વખત એક હજાર વર્ષની ગુલામીમાં ધકેલવા ઇચ્છે છે.’
પીએમ ફરી એ જ કરી રહ્યા છે જેમાં તેઓ બેસ્ટ છે અને એ છે અપમાન. તેઓ વારંવાર ઇન્ડિયાની પાર્ટીઓને ઘમંડિયા પાર્ટીઓ કહી રહ્યા છે. જુઓ કોણ કહી રહ્યું છે! આ વ્યક્તિ સરકારી કામકાજના પ્રસંગનો વિરોધ પક્ષોની ટીકા કરવા માટે ઉપયોગ કરે છે. કહી શકાય કે તેઓ GA-NDA (ગૌતમ અદાણીના એનડીએ) ગઠબંધનનું સુકાન સંભાળી રહ્યા છે. : જયરામ રમેશ, કૉન્ગ્રેસના મહાસચિવ