ટોચનાં ત્રણ સૌથી સ્વચ્છ શહેરોમાં એક મહારાષ્ટ્રનું, રાજ્યોની કૅટેગરીમાં ત્રીજા સ્થાને, જ્યારે એક લાખથી ઓછી વસ્તી ધરાવતાં શહેરોની કૅટેગરીમાં ટૉપ થ્રીમાં મહારાષ્ટ્રનાં બે શહેરોનો સમાવેશ : ગુજરાતનું સુરત બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : ઇન્દોરની સળંગ છઠ્ઠા વર્ષે ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે પસંદગી થઈ છે. કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેમાં ઇન્દોર પછી સુરત અને નવી મુંબઈનું સ્થાન છે.
૨૦૨૧ના વર્ષમાં ઇન્દોર પહેલા સ્થાને, સુરત બીજા સ્થાને, વિજયવાડા ત્રીજા સ્થાને અને નવી મુંબઈ ચોથા સ્થાને હતું. બીજી તરફ ૨૦૨૦ના વર્ષમાં ઇન્દોર પહેલા સ્થાને, સુરત બીજા સ્થાને અને નવી મુંબઈ ત્રીજા સ્થાને હતું. આમ ગુજરાત અને મહારાષ્ટ્રનાં શહેરો સતત ટૉપ પોઝિશન્સમાં રહ્યાં છે.
‘સ્વચ્છ સર્વેક્ષણ અવૉર્ડ્ઝ ૨૦૨૨’ની બેસ્ટ પર્ફોર્મ કરનારાં રાજ્યોની કૅટેગરીમાં મધ્ય પ્રદેશ પહેલા સ્થાને છે, જેના પછી છત્તીસગઢ અને મહારાષ્ટ્રનું સ્થાન છે.
આ વર્ષે ઇન્દોર અને સુરતે બિગ સિટીઝની કૅટેગરીમાં તેમની ટૉપ પોઝિશન જાળવી રાખી છે, જ્યારે વિજયવાડાની ત્રીજા સ્થાનેથી પીછેહઠ થઈ છે. હવે ત્રીજા સ્થાને નવી મુંબઈ છે. ૧૦૦થી ઓછી નગરપાલિકા કે મહાનગરપાલિકા ધરાવતાં રાજ્યોમાં ત્રિપુરાએ ટોચનું સ્થાન મેળવ્યું છે.
ADVERTISEMENT
એક લાખથી ઓછી વસ્તી ધરાવતાં શહેરોની કૅટેગરીમાં મહારાષ્ટ્રનું પંચગની પહેલા સ્થાને છે, જ્યારે એના પછી છત્તીસગઢના પાટન (એનપી) અને મહારાષ્ટ્રના કરહાડનો સમાવેશ થાય છે.
એક લાખથી વધુ વસ્તી ધરાવતા ગંગા નગરીઓની કૅટેગરીમાં હરિદ્વાર પહેલા સ્થાને છે, જ્યારે એના પછી વારાણસી અને હૃષીકેશનું સ્થાન છે.

