તેમણે સોમવારે જણાવ્યું હતું કે પીપીબીએલ સામેની કાર્યવાહીની સમીક્ષા માટે કોઈ અવકાશ નથી અને આરબીઆઇ વ્યાપક મૂલ્યાંકન પછી જ નિયમનકારી સંસ્થાઓ સામે પગલાં લે છે.
શશિકાંત દાસ
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક સામેની કાર્યવાહીની કોઈ પણ સમીક્ષાને નકારી કાઢી હતી. તેમણે સોમવારે જણાવ્યું હતું કે પીપીબીએલ સામેની કાર્યવાહીની સમીક્ષા માટે કોઈ અવકાશ નથી અને આરબીઆઇ વ્યાપક મૂલ્યાંકન પછી જ નિયમનકારી સંસ્થાઓ સામે પગલાં લે છે. આરબીઆઇએ પીપીબીએલ સામે મોટી કાર્યવાહી કરતાં બૅન્કને ૨૯ ફેબ્રુઆરી પછી કોઈ પણ કસ્ટમર અકાઉન્ટ, પ્રીપેઇડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વૉલેટ્સ, ફાસ્ટૅગ્સ અને એનસીએમસી કાર્ડ્સમાં ડિપોઝિટ/ ક્રેડિટ ટ્રાન્ઝૅક્શન / ટૉપ-અપ્સ ન સ્વીકારવાનું જણાવ્યું હતું. પેટીએમ સામેની કાર્યવાહી નૉન-કમ્પ્લાયન્સ અને બૅન્કિંગ નિયમોના ઉલ્લંઘન બાદ કરવામાં આવી હતી. જોકે આરબીઆઇએ ૨૯ ફેબ્રુઆરી પછી ક્રેડિટ ઑફ ઇન્ટરેસ્ટ, કૅશબૅક અથવા રીફન્ડની મંજૂરી આપી છે. દાસે જણાવ્યું હતું કે આરબીઆઇ ફિનટેક સેક્ટરને ટેકો આપે છે, પણ એ ગ્રાહકોનાં હિતોનું રક્ષણ તેમ જ નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. સેન્ટ્રલ બૅન્ક આ અઠવાડિયે પેટીએમ બાબતે એફએક્યુ (ફ્રીક્વન્ટ્લી આસ્ક્ડ ક્વેશ્ચન્સ) જારી કરે એવી શક્યતા છે. આરબીઆઇએ પેટીએમ બ્રૅન્ડની માલિકી ધરાવતી વન૯૭ કમ્યુનિકેશન્સ લિમિટેડનાં નોડલ અકાઉન્ટ્સ સમાપ્ત કરવાનો પણ નિર્દેશ કર્યો છે.