કાશી વિશ્વનાથ ધામમાં બે વર્ષમાં ૧૨.૯૨ કરોડ ભક્તોએ કર્યાં દર્શન, ઈરાનિયન ઍક્ટિવિસ્ટ મોહમ્મદીનાં બાળકોએ સ્વીકાર્યો નોબેલ પુરસ્કાર, પીએમની પ્રશંસા કરતી કવિતા ગાતી આ બાળકી કોણ છે? અને વધુ સમાચાર
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હીઃ ભારતીય સેના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત એક સ્માર્ટ સ્કોપનું પરીક્ષણ કરી રહી છે જે ૩૦૦ મીટર સુધી માણસોની હાજરી વિશે જાણી શકશે. લેફ્ટનન્ટ કર્નલ નિપુણ સિરોહીના જણાવ્યા મુજબ ‘આ સ્માર્ટ સ્કોપ હજી એના પ્રોટોટાઇપ સ્ટેજમાં છે, પણ એનું મિનીએચર વર્ઝન પણ તૈયાર કરી શકાય છે. સ્વેદેશીરૂપે વિકસિત સ્કોપને કોઈ પણ નાના હથિયાર પર ફિટ કરી શકાય છે અને એનો સ્માર્ટ હથિયારરૂપે ઉપયોગ કરી શકાય છે. આ એક એઆઇ સક્ષમ સ્માર્ટ સ્કોપ છે જે ૩૦૦ મીટર સુધી આગળ વધી રહેલા માનવો વિશે જાણી શકે છે. એઆઇ અલ્ગોરિધમ અને સેન્સરી ડેટાનો ઉપયોગ કરીને શૂટરને જણાવી શકે છે કે ક્યારે ગોળી ચલાવવાની છે. ૧૦૦થી ૩૦૦ મીટર સુધી પરીક્ષણ કરતાં એની ચોકસાઈ ૮૦થી ૯૦ ટકા હતી.
કાશી વિશ્વનાથ ધામમાં બે વર્ષમાં ૧૨.૯૨ કરોડ ભક્તોએ કર્યાં દર્શન
વારાણસી : વારાણસીસ્થિત શ્રી કાશી વિશ્વનાથ ધામ મંદિરમાં છેલ્લાં બે વર્ષમાં ૧૨.૯૨ કરોડ લોકોએ દર્શન કર્યા હતા. અહીં નોંધનીય છે કે ડિસેમ્બર ૨૦૨૧માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી કાશી વિશ્વનાથ ધામ કૉરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. તહેવારો અને રજાઓના સમયગાળા તેમ જ શ્રાવણના પવિત્ર મહિનામાં કાશી વિશ્વનાથ ધામમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે. માત્ર શ્રાવણ મહિનામાં ૧.૬ કરોડ કરતાં વધારે ભક્તોએ કાશી વિશ્વનાથ ધામ મંદિરની મુલાકાત લીધી હતી.
ADVERTISEMENT
ઈરાનિયન ઍક્ટિવિસ્ટ મોહમ્મદીનાં બાળકોએ સ્વીકાર્યો નોબેલ પુરસ્કાર
હેલસિન્કી : જેલમાં કેદ ઈરાનની ઍક્ટિવિસ્ટ નર્ગિસ મોહમ્મદીને જાહેર કરાયેલો નોબેલ શાંતિ પુરસ્કાર તેના વતી તેમનાં બાળકોએ સ્વીકાર્યો છે. ગઈ કાલે નૉર્વેમાં આયોજિત સમારોહમાં મોહમ્મદીનાં બાળકોએ નોબેલ શાંતિ પુરસ્કાર સ્વીકાર્યો હતો. મોહમ્મદીનાં બાળકોનું નામ અલી અને કિયાના છે. આ જોડિયા બાળકોની ઉંમર ૧૭ વર્ષ છે અને તેઓ પિતા સાથે પૅરિસમાં રહે છે.
પીએમની પ્રશંસા કરતી કવિતા ગાતી આ બાળકી કોણ છે? હરિયાણાના ગવર્નર બંડારુ દત્તાત્રેયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતી એક કવિતા ગાતો તેમની પૌત્રી જશોધરાનો એક વિડિયો શૅર કર્યો છે. વડા પ્રધાને આ વિડિયો પર રીઍક્ટ પણ કર્યું છે. દત્તાત્રેયની પોસ્ટ પર વડા પ્રધાને લખ્યું હતું કે ‘ક્રીએટિવ અને આનંદદાયક. તેના શબ્દો ગ્રેટ એનર્જીનાે સોર્સ પણ છે.’ જશોધરાની કવિતાના શબ્દો છે કે ‘માં સે ઝ્યાદા માતૃભૂમિ કો જિસને માન દિયા, ખુદ કા જીવન ભી જિસને ભારત કે નામ કિયા, વતન કી ખાતિર જિસને દીપક બનકર ખુદ કો જલા દિયા, શબ્દ હી નહીં, જિનકા હમ શુક્રિયા કરે, હાથ જોડકર મોદીજી કા હમ વંદન કરે.’
પત્ની ૧૮ વર્ષ કે એથી વધુ વયની હોય તો મૅરિટલ રેપ ગુનો ન ગણાય : અલાહાબાદ હાઈ કોર્ટ
પ્રયાગરાજ : મૅરિટલ રેપ એટલે કે પતિ દ્વારા પત્ની પર બળાત્કારના એક કેસમાં સુનાવણી કરતાં અલાહાબાદ હાઈ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે જો પત્નીની ઉંમર ૧૮ વર્ષથી વધારે છે તો મૅરિટલ રેપને આઇપીસી હેઠળ અપરાધ માની શકાય નહીં. એક પતિને તેની પત્ની વિરુદ્ધ અપ્રાકૃતિક અપરાધ કરવાના આરોપમાંથી મુક્ત કરતાં કોર્ટે આ ટિપ્પણી કરી છે. કોર્ટે એવું માન્યું કે આ કેસમાં આરોપીને આઇપીસીની કલમ ૩૭૭ હેઠળ દોષી ઠેરવી શકાય નહીં. જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની બેન્ચે કહ્યું કે આ દેશમાં અત્યાર સુધી મૅરિટલ રેપને ગુનો માનવામાં આવ્યો નથી.


