અજમેરના કુરથલ ગામમાં બસનું ભવ્ય સ્વાગત કરવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો
બસ
રાજસ્થાનના અજમેર જિલ્લાના કુરથલ ગામમાં આઝાદીનાં આશરે ૭૯ વર્ષ પછી પહેલી વાર રાજસ્થાન રોડવેઝની સરકારી બસ પહોંચી હતી. દાયકાઓ લાંબી પ્રતીક્ષાનો અંત આવતાં જ ગ્રામજનોએ વરસાદ વચ્ચે પણ રસ્તા પર ભેગા થઈને ઢોલ-નગારાં વગાડી, નાચીને અને વિડિયો બનાવીને બસનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અત્યાર સુધી આ ગામના લોકોએ હૉસ્પિટલ, સ્કૂલ, બજાર કે સરકારી કચેરીઓ સુધી પહોંચવા માટે ખાનગી વાહનો પર નિર્ભર રહેવું પડતું હતું અથવા કિલોમીટરો સુધી ચાલીને જવું પડતું હતું. નવી બસસેવા શરૂ થવાથી ગામના દૈનિક જીવનમાં મહત્ત્વનો બદલાવ આવશે.
૨૦૨૫માં નરેન્દ્ર મોદીની વિદેશયાત્રા પાછળ સરકારી તિજોરીમાંથી ૧૮૭ કરોડનો ખર્ચ
ADVERTISEMENT
૨૦૨૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન અને જપાન સહિતના ૨૩ દેશોના વિદેશપ્રવાસ પાછળ સરકારી તિજોરીમાંથી આશરે ૧૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાની માહિતી સરકારે ગુરુવારે રાજ્યસભામાં આપી હતી. રાજ્યસભામાં સંસદસભ્ય સંજય સિંહ અને વી. શિવદાસન દ્વારા પુછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં મિનિસ્ટ્રી ઑફ એક્સ્ટર્નલ અફેર્સ (MEA)ના રાજ્યપ્રધાન પબિત્રા માર્ગેરિટાએ આ વિગતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ૨૦૨૬માં ઇન્ડોનેશિયા, ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડના પ્રવાસો પાછળ ૭૪.૫૮ કરોડ રૂપિયા ખર્ચાયા છે. મંત્રાલયના ડેટા અનુસાર ૨૦૨૫માં ફ્રાન્સ (૨૫.૬ કરોડ રૂપિયા), બ્રાઝિલ (૧૭.૭ કરોડ રૂપિયા), અમેરિકા (૧૬.૫ કરોડ રૂપિયા) અને સાઉદી અરેબિયા (૧૫.૫ કરોડ રૂપિયા)ના પ્રવાસ પાછળ સૌથી વધુ ખર્ચ થયો હતો. આ સિવાય ૨૦૨૪માં ૧૦૯ કરોડ અને ૨૦૨૩માં ૯૩ કરોડ રૂપિયા ખર્ચાયા હતા. આ પ્રવાસોથી વેપાર, રોકાણ, ટેક્નૉલૉજી અને સંરક્ષણક્ષેત્રે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનતા હોવાનું જણાવીને રાજ્યપ્રધાને ઉમેર્યું હતું કે જુલાઈ ૨૦૨૧થી અત્યાર સુધીમાં ૩૧૬ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) સાઇન કરવામાં આવ્યાં છે અને ભારતમાં ૩૧.૫ લાખ કરોડ રૂપિયા (૩૮૧.૮ બિલ્યન ડૉલર)નું ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) આવ્યું છે.
