પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) માટે જાસૂસી કરવા બદલ નવી દિલ્હીના નૌસેના ભવનમાં અપર ડિવિઝન ક્લર્ક તરીકે કામ કરતા વિશાલ યાદવની ધરપકડ કરવામાં આવી છે
વિશાલ યાદવ
દિલ્હીના નૌસેના ભવનનો કર્મચારી વિશાલ યાદવ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે કરતો હતો જાસૂસી, આૅપરેશન સિંદૂરની પણ માહિતી આપી : પાકિસ્તાની મહિલા-હૅન્ડલરને માહિતી આપતો હતો: ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ અકાઉન્ટ અને બૅન્ક-અકાઉન્ટમાં પૈસા મેળવતો : ઘણાં વર્ષોથી આ કામ કરતો હતો, તપાસ શરૂ
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) માટે જાસૂસી કરવા બદલ નવી દિલ્હીના નૌસેના ભવનમાં અપર ડિવિઝન ક્લર્ક તરીકે કામ કરતા વિશાલ યાદવની ધરપકડ કરવામાં આવી છે. તેણે ઑપરેશન સિંદૂર વખતે પણ માહિતી શૅર કરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. વિશાલ યાદવ વર્ષોથી ISI માટે જાસૂસી કરતો હતો. એવો આરોપ છે કે તે સોશ્યલ મીડિયા દ્વારા પાકિસ્તાની મહિલા-હૅન્ડલરના સંપર્કમાં હતો અને તેને સંવેદનશીલ માહિતી પૂરી પાડતો હતો.
ADVERTISEMENT
ગુપ્તચર એજન્સીઓમાં ખળભળાટ
આ ધરપકડથી દેશની સુરક્ષા-એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. રાજસ્થાન ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)એ આ કાર્યવાહી કરી હતી અને પચીસમી જૂને ઑફિશ્યલ સીક્રેટ્સ ઍક્ટ, ૧૯૨૩ હેઠળ હરિયાણાના વિશાલ યાદવની ધરપકડ કરી હતી. આ સંદર્ભમાં CIDના ઇન્સ્પેક્ટર જનરલ વિષ્ણુકાંત ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘CIDના સર્વેલન્સ વખતે જાણવા મળ્યું હતું કે દિલ્હીના નૌકા ભવનસ્થિત ડૉકયાર્ડ ડિરેક્ટરેટમાં કામ કરતો વિશાલ યાદવ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની
મહિલા-હૅન્ડલર સાથે સતત સંપર્કમાં હતો. આ મહિલાનું ઉપનામ પ્રિયા શર્મા હોવાનું કહેવાય છે, તે વિશાલને પૈસાની લાલચ આપીને નૌકા ભવનમાંથી વ્યૂહાત્મક મહત્ત્વની ગુપ્ત માહિતી મેળવતી હતી.’
ઑનલાઇન ગેમિંગનું વ્યસન
પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે વિશાલ યાદવ ઑનલાઇન ગેમ્સ રમવાનો વ્યસની હતો. પોતાની પૈસાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેણે દેશની સુરક્ષા સાથે રમવાનું શરૂ કર્યું હતું. તે
મહિલા-હૅન્ડલરને સંવેદનશીલ માહિતી આપીને તેના ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ અકાઉન્ટમાં યુએસ ડૉલર ટેધર અને સીધા તેના બૅન્ક-અકાઉન્ટમાં પૈસા મેળવતો હતો.
આૅપરેશન સિંદૂરની જાણકારી આપી
વિશાલના મોબાઇલ ફોનનું ફૉરેન્સિક વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારાં તથ્યો પ્રકાશમાં આવ્યાં છે. તેના મોબાઇલમાંથી મળેલાં ચૅટ્સ અને દસ્તાવેજોની તપાસમાં જાણવા મળ્યું છે કે વિશાલ યાદવે ઑપરેશન સિંદૂર દરમ્યાન પણ મહિલા પાકિસ્તાન હૅન્ડલરને નૌકાદળ અને અન્ય સંરક્ષણ સંબંધિત ગુપ્ત માહિતી પૂરી પાડી હતી. આ દર્શાવે છે કે તે લાંબા સમયથી આ જાસૂસી રૅકેટનો ભાગ હતો.
હવે સંયુક્ત તપાસ
જયપુરના સેન્ટ્રલ ઇન્ટરોગેશન સેન્ટરમાં વિવિધ ગુપ્તચર એજન્સીઓ દ્વારા વિશાલની સંયુક્ત રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ રૅકેટમાં બીજું કોણ સામેલ છે અને કેટલી સંવેદનશીલ માહિતી લીક થઈ છે.


