ઉત્તર પ્રદેશના બહરાઇચમાં દુર્ગાપ્રતિમા-વિસર્જન સરઘસ પર મુસ્લિમોનો પથ્થરમારો અને ગોળીબાર
ઉત્તર પ્રદેશના બહરાઇચમાં દુર્ગાપ્રતિમા-વિસર્જન સરઘસ પર કરવામાં આવેલા ગોળીબારમાં બાવીસ વર્ષના યુવાનનું મૃત્યુ થયા બાદ તેનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ વાહન અને દુકાનોને આંગ ચાંપી હતી.
આ ઘટનાને પગલે ઉશ્કેરાયેલા લોકોએ આરોપીની દુકાનને સળગાવી દીધી, બીજી દુકાનો અને વાહનોને પણ આગ ચાંપવામાં આવી હતી
ઉત્તર પ્રદેશના બહરાઇચમાં રવિવારે દુર્ગાપ્રતિમા-વિસર્જન સમયે મહારાજગંજ મોહલ્લામાંથી પસાર થતી વખતે સંગીત વગાડવાના મુદ્દે મુસ્લિમ લોકો સાથે થયેલી બોલાચાલી બાદ સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને બાવીસ વર્ષના રામ ગોપાલ મિશ્રા નામના એક યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આ ઘટના બાદ લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને લોકોએ હુમલો કરનારા આરોપીની દુકાનને સળગાવી દીધી હતી. આ ઉપરાંત બીજી છ દુકાનોને આગ ચાંપી દીધી હતી અને જોરદાર પથ્થરમારો કર્યો હતો. રસ્તામાં ઊભેલાં વાહનોમાં પણ આગ ચાંપવામાં આવી હતી. આ ઘટનાના પગલે પોલીસે પચીસથી ત્રીસ લોકોની અટક કરી હતી અને દસ જણ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
જોકે લોકોની માગણી છે કે આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે અને તેમના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવે. તકેદારીના ભાગરૂપે પોલીસે આ વિસ્તારમાં ઇન્ટરનેટ-સર્વિસ બંધ કરાવી દીધી છે. પ્રશાસનની સમજાવટ બાદ સોમવારે સવારે મૂર્તિ-વિસર્જન કરવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ખાતરી આપી છે કે આ કેસમાં કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે, તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે.
મૃત્યુ પામેલા રામ ગોપાલ મિશ્રાના છ મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં અને તેને સામેથી અડધો ડઝન ગોળીઓ મારવામાં આવી હતી. તેનો મૃતદેહ જોઈને લોકો ભડકી ઊઠ્યા હતા. તેને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, પણ તેનો જીવ બચાવી શકાયો નહોતો. તેના મૃતદેહને તહસીલની ઑફિસમાં લઈ જવાયો હતો અને વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ અને પ્રશાસનની સમજાવટ બાદ ગઈ કાલે તેના ગામ રેહુઆ મંસુરમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ આ વિસ્તારના હાઇવે બંધ કરી દેવામાં આવતાં અનેક કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇન લાગી હતી. છેવટે રાતે બાર વાગ્યે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
ઍડિશનલ ડિરેક્ટર જનરલ અમિતાભ યશ બહરાઇચમાં હાથમાં ગન લઈને પહોંચ્યા હતા. અપૂરતા પોલીસ બંદોબસ્તને કારણે આ ઘટના બની હોવાથી પોલીસ પ્રશાસને હરદી પોલીસ સ્ટેશનનના ઇન્ચાર્જ અને મહસી ચોકીના ઇન્ચાર્જને સસ્પેન્ડ કરી દીધા હતા. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ વૃંદા શુક્લાએ જણાવ્યું હતું કે ‘ત્રીસ જણની અટક કરવામાં આવી છે. સલમાન નામના આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેના ઘરમાંથી ગોળીઓ છોડવામાં આવી હતી. તેના ઘરમાં જ દુકાન હતી અને લોકોએ એ સળગાવી દીધી હતી.’


