સગીર બાળકીઓને ફોસલાવીને-ભગાડીને લઈ જવાની ઘટનાઓને કારણે લોકોમાં ભારે આક્રોશ, હવે હિન્દુ સંગઠનો આજે, જ્યારે મુસ્લિમ સમુદાય ૧૮ જૂને મહાપંચાયત યોજશે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
સાંપ્રદાયિક સદ્ભાવના માટે જાણીતા ઉત્તરાખંડમાં અત્યારે તનાવજનક સ્થિતિ છે. ટેન્શનનું કારણ લવ જેહાદ હોવાનો દાવો કરાયો છે. ઉત્તરાખંડમાં આ વર્ષે અત્યાર સુધીમાં લવ જેહાદના ૫૩થી વધારે કેસ નોંધાયા છે. આ કેસમાં મુસ્લિમ યુવકો દ્વારા હિન્દુ છોકરીઓને પ્રેમજાળમાં ફસાવવા અને એ પછી બ્લૅકમેઇલ કરવાનો આરોપ છે. હિન્દુ સંગઠનોએ લવ જેહાદની કથિત ઘટનાઓની વિરુદ્ધ આજે પુરોલા ટાઉનમાં મહાપંચાયત બોલાવી છે. જેની જાહેરાત પ્રધાન સંગઠને કરી હતી અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એને સપોર્ટ આપવામાં આવ્યો છે. જોકે વહીવટીતંત્ર એને રોકવા પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફ મુસ્લિમ સમુદાયે પણ ૧૮મી જૂને દેહરાદૂનમાં મહાપંચાયતની જાહેરાત કરી છે. જેને લીધે આ રાજ્યમાં તનાવ વધે એવી શક્યતા છે.
સૌથી વધારે ટેન્શનનું કારણ સગીર બાળકીઓને ફોસલાવીને-ભગાડીને લઈ જવાની ઘટનાઓ છે. શરૂઆતમાં ૨૬મી મેએ પુરોલામાં એક કેસ આવ્યો હતો, જ્યારે બે મુસ્લિમ યુવક સ્થાનિક સગીર યુવતીને ભગાડીને લઈ જતા પકડાયા હતા. સ્થાનિક લોકોએ ખૂબ હંગામો કર્યો હતો, જેને કારણે એ બન્ને છોકરાઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
ત્યાર બાદ બીજો કેસ પહેલી જૂને ચકરાતામાં આવ્યો હતો. અહીં હિમાચલથી ભગાડીને લાવવામાં આવેલી સગીરાની સાથે બે મુસ્લિમ યુવકની ધરપકડ કરવામાં આવી હતી. છ જૂને ત્રીજો કેસ ચમોલીના ગૌચરમાં સામે આવ્યો હતો. અહીં સગીર છોકરીને ફોસલાવીને હોટેલમાં લઈ જઈ રહેલા બે મુસ્લિમ યુવક ઝડપાયા હતા. આઠમી જૂને વધુ એક વખત વિકાસનગરના ત્યુણીમાં નવાબ ઉર્ફે ગુડ્ડુ નામનો એક મુસ્લિમ યુવક પકડાયો હતો, તે ઉત્તરકાશીના મોરીની ૧૪ અને ૧૬ વર્ષની બે સગીર છોકરીઓને પ્રેમજાળમાં ફસાવીને મુઝફ્ફરનગર લઈ જવાની કોશિશમાં હતો. નવાબ મોબાઇલ ગેમ દ્વારા બન્ને બહેનોના કૉન્ટૅક્ટમાં આવ્યો હતો. સાતમી જૂને દેહરાદૂનના જોહડી ગામમાં પણ વેલ્ડિંગનું કામ કરતો યુવક સુહેલ ખાન પકડાઈ ગયો હતો. તે ગામની જ સગીર છોકરીની છેડતી કરતો પકડાયો હતો. આઠમી જૂને રામનગરમાં આવો જ કેસ આવ્યો હતો, જ્યારે સગીરાને ફોસલાવીને લઈ જતો એક મુસ્લિમ યુવક પકડાયો હતો. આ તો સગીરાના જ કેસ છે. એ પછી લવ જેહાદના તો અનેક કેસ સામે આવ્યા.


