છત્તીસગઢમાં ખનનમાફિયાઓએ ૩ લોકોને જીવતા સળગાવી દીધા
પ્રતીકાત્મક તસવીર
છત્તીસગઢના કોરિયા જિલ્લાના સોનહત પોલીસ-સ્ટેશન વિસ્તાર હેઠળના નૌગૈન ગામમાં રેતીખનનના લાંબા સમયથી ચાલતા વિવાદે મોડી રાત્રે એક ભયાનક અને લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અહીં એક ફૉર્ચ્યુનરને રીતસર ટ્રકો વચ્ચે આંતરીને બંધક બનાવી લેવાઈ હતી અને ત્યાર બાદ એના પર પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવી હતી. આ દર્દનાક હુમલામાં ગાડીની અંદર સવાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્થાનિક નેતા અને ભૂતપૂર્વ જનપદ પંચાયત પ્રમુખ ભરત સિંહ ઉર્ફે લલ્લા સિંહ સહિત ૩ લોકોનાં ઘટનાસ્થળે જ જીવતા ભૂંજાઈ જવાથી કરુણ મોત થયાં હતાં. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી તંગદિલી સર્જાઈ છે અને ચુસ્ત પોલીસ-બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે.
ભરત સિંહના પરિવારજનોના આક્ષેપ અનુસાર ભરત સિંહ રેતીની ક્વૉરીના સંચાલનને લઈને ચાલી રહેલા વિવાદમાં સમાધાનની વાટાઘાટો કરવા ગયા હતા, પરંતુ ત્યાં તેમની સામે પૂર્વયોજિત કાવતરું ઘડીને મોતનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ખનનનો કૉન્ટ્રૅક્ટ ભરત સિંહના પરિવાર પાસે હતો, પરંતુ ટ્રાન્સપોર્ટેશન અને ગેરકાયદે ઉઘરાણી પર વર્ચસ મેળવવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી ભરત સિંહના જૂથ અને BJPના જ અન્ય એક નેતા મનોજ ત્રિપાઠીના પરિવાર વચ્ચે ભારે અદાવત ચાલી રહી હતી. પોલીસે આ ચકચારી ટ્રિપલ મર્ડર કેસમાં હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને ૪ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય પાંચ ફરાર આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
