કોટામાંથી મેડિકલ એન્ટ્રન્સની તૈયારી કરતો સ્ટુડન્ટ ગુમ, પરિવારને મેસેજ કરીને કહ્યું...
પ્રતીકાત્મક તસવીર
ખિસ્સામાં માત્ર ૮ હજાર રૂપિયા હોવા છતાં રાજસ્થાનમાં કોચિંગ નગરી કહેવાતા કોટા શહેરમાંથી એક સ્ટુડન્ટ ગુમ થયો છે અને તેણે પરિવારને મોકલેલા મેસેજમાં કહ્યું છે કે હું કંઈ ખોટું નહીં કરું, વર્ષમાં એક વાર ફોન કરીશ અને પાંચ વર્ષ બાદ પાછો આવીશ. ૧૯ વર્ષનો રાજેન્દ્ર મીણા નામનો આ સ્ટુડન્ટ ગંગારામપુરના બામણવાસનો વતની છે અને કોટામાં મેડિકલ એન્ટ્રન્સની તૈયારી કરી રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તેના પપ્પા જગદીશ મીણાએ રાજેન્દ્રના ગુમ થવાની ફરિયાદ લખાવી છે. ૬ મેએ તેમને મોબાઇલમાં તેનો મેસેજ મળ્યો હતો. આ મેસેજમાં લખ્યું હતું કે ‘હું ઘર છોડીને જઈ રહ્યો છું અને મારે આગળ ભણવું નથી. મારી પાસે ૮ હજાર રૂપિયા છે. હું પાંચ વર્ષ સુધી ઘરે નહીં આવું. હું મારો મોબાઇલ વેચી દઈશ અને એનું સિમ-કાર્ડ તોડી નાખીશ. મમ્મીને કહેજો કે મારા માટે ચિંતા ન કરે. હું કોઈ ખોટું પગલું ભરીશ નહીં. મારી પાસે તમારા બધાના નંબરો છે. જરૂર પડશે તો હું ફોન કરીશ, પણ વર્ષમાં એક વાર ફોન જરૂર કરીશ.’

