ફિલ્મ જોયા બાદ મુંબઈ-મહારાષ્ટ્ર સહિત કર્ણાટક અને કેરલાના યુટ્યુબર્સ અને ઇન્ફ્લુઅન્સર્સ માણગાવ આવવા લાગ્યા
સાઉથની ફિલ્મ ‘વારિસુ’ના આ સીને કુંભે વૉટરફૉલને ફેમસ કર્યો.
ગયા વર્ષે સાઉથના સુપરસ્ટાર વિજયની ફિલ્મ ‘વારિસુ’ મૂવી આવી હતી. આ ફિલ્મથી માણગાવનો કુંભે વૉટરફૉલ ફેમસ થયો હતો. ફિલ્મમાં વિજય બાઇક પર એ સ્પૉટ પર પહોંચે છે જ્યાંથી પડીને આન્વી કામદારે જીવ ગુમાવ્યો છે. આ પૉઇન્ટ પરથી કુંભે વૉટરફૉલનો રમણીય નજારો દેખાય છે. ‘વારિસુ’માં કુંભે વૉટરફોલ જોઈને યુટ્યુબર્સ અને ઇન્ફ્લુઅન્સર્સ કર્ણાટક અને કેરલાથી માણગાવ આવીને શૂટ કરવા લાગ્યા હતા. આન્વી અને તેની ટીમ પણ ફેમસ થયેલા કુંભે વૉટરફૉલ પાસે શૂટ કરવા ગયાં હોવાની શક્યતા છે.
આન્વી કામદારને ખીણમાંથી ઉપર લાવવામાં પોલીસની મદદ કોલાડ, માણગાવ અને મહાડની રેસ્ક્યુ ટીમોએ કરી હતી. આ ટીમની સાથે માણગાવનો સ્થાનિક રેસ્ક્યુઅર શાંતનુ કુવેસકર પણ હતો. તેણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વર્ષની શરૂઆત સુધી કુંભે વૉટરફૉલ પાસે કોઈ નહોતું જતું. સાઉથની ફિલ્મ ‘વારિસુ’માં હીરો મોટસાઇકલ પર વૉટરફૉલ પાસે પહોંચ્યો હોવાનો સીન છે. આ ફિલ્મ જોયા પછી કર્ણાટક અને કેરલાથી ટ્રેકર્સ અને યુટ્યુબર્સ મોટરસાઇકલ પર માણગાવ આવવા લાગ્યા છે. ફિલ્મમાં ગ્રાફિક્સની મદદથી હીરો વૉટરફૉલ પાસે પહોંચ્યો હોવાનું દેખાડવામાં આવ્યું હતું. હકીકતમાં જે જગ્યાએથી આન્વી કામદાર પડી હતી ત્યાં બાઇક તો શું એકસાથે બે વ્યક્તિ જઈ શકે એવી પગદંડી પણ નથી. વૉટરફૉલની સામેના ઊંચા પહાડ પર વાહનો મૂકીને નીચે ઊતર્યા બાદ ફરી ઉપર ચડીને કુંભે વૉટરફૉલ સામેની ટેકરી પર પહોંચી શકાય છે.’
ADVERTISEMENT
ફુટફૉલ વધવાથી આન્વી લપસી
શાંતનુ કુવેસકરે કહ્યું હતું કે ‘કુંભે વૉટરફૉલ પર દોઢેક વર્ષ પહેલાં સ્થાનિક રહેવાસીઓ સિવાય કોઈ નહોતું જતું. અહીંના રહેવાસીઓ પણ વચ્ચેના પહાડ પર તો જતા જ નહીં. ‘વારિસુ’ ફિલ્મ જોયા બાદ કોઈ ગ્રુપ અહીં પહોંચ્યું હતું. તેમણે વૉટરફૉલ શૂટ કરીને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યું હતું. ફિલ્મ અને ઇન્સ્ટાગ્રામની પોસ્ટ બાદ વધુ પ્રમાણમાં લોકો પહાડી પર ચડવા લાગ્યા છે એટલે અહીંની એક જ વ્યક્તિ જેમતેમ ચડી શકે એવી પગદંડીમાં માટી ઘસાઈને ચીકણી થઈ ગઈ છે. આન્વી મોબાઇલ સાથે ચારેક લોકો સાથે ઉપર ચડી હતી, જ્યારે ગ્રુપના બીજા મેમ્બરો પહાડીની તળેટીમાં હતા. પહાડની ટોચ પર પહોંચતાં પહેલાં જ પગ લપસતાં આન્વી ખીણમાં પડી હતી. મંગળવારની ઘટના પહેલાં અહીં કોઈનો જીવ નથી ગયો.’
ચેતવણીનું મોટું બોર્ડ લગાવવામાં આવશે
કુંભે વૉટરફૉલ પાસેની ખીણમાં આન્વી કામદારના મૃત્યુ બાદ અહીં દૂરથી પણ જોઈ શકાય એવું મોટું ચેતવણીનું બોર્ડ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશે માણગાવ પોલીસ-સ્ટેશનનાં ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર નિવૃત્તિ બોરાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કુંભે વૉટરફૉલ પાસેના પહાડ પર જવાની મનાઈ છે. ઉપરના ભાગમાં ચેતવણીનું બોર્ડ છે, પણ હવે ચેતવણીનું મોટું બોર્ડ મૂકવાની સાથે કોઈ જોખમી જગ્યાએ જશે તો તેની સામે ગુનો નોંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’

