સૂત્રોએ જણાવ્યું હતું કે કથિત મોહમ્મદ શરીક સુસાઇડ બૉમ્બર નહોતો, પરંતુ થ્રી વ્હીલરમાં બ્લાસ્ટ થયો ત્યારે બૉમ્બને બીજા ઠેકાણે મૂકવા જઈ રહ્યો હતો

ફાઇલ તસવીર
મૅન્ગલોર ઑટોરિક્ષાના શંકાસ્પદ આરોપી મોહમ્મદ શરીકને આઇએસઆઇએસ દ્વારા કટ્ટરવાદી બનાવાયો હોવો જોઈએ તથા તેની પાસેથી અનેક બનાવટી આધાર કાર્ડ મળી આવ્યા હોવાનું ટોચના ઇન્ટેલિજન્સ સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે કથિત મોહમ્મદ શરીક સુસાઇડ બૉમ્બર નહોતો, પરંતુ થ્રી વ્હીલરમાં બ્લાસ્ટ થયો ત્યારે બૉમ્બને બીજા ઠેકાણે મૂકવા જઈ રહ્યો હતો. આ શંકાસ્પદ આરોપી હાલમાં ગંભીર રીતે દાઝી જવાને કારણે સારવાર હેઠળ છે તથા હાલ પૂછપરછનો જવાબ આપવાની સ્થિતિમાં નથી. સૂત્રોએ જણાવ્યાનુસાર મોહમ્મદ શરીકે હજી ઘણા બ્લાસ્ટની યોજના કરી હતી તથા મોટા ભાગનું મટીરિયલ તેના ઘરે તૈયાર પડ્યું હતું.
ADVERTISEMENT
પ્રારંભિક તપાસ મુજબ મોહમ્મદ શરીક સામે અગાઉ મૅન્ગલોરની દીવાલો પર વાંધાજનક લખાણ લખવા તેમ જ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) ઍક્ટ (યુપીએપી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. વિસ્ફોટ બાદ ઘાયલ મુસાફર પાસેથી મળેલું આધાર કાર્ડ અન્ય વ્યક્તિનું હોવાની પોલીસને જાણ થયા પછી જ તેમણે તપાસ વધુ તીવ્ર બનાવી હતી.
કર્ણાટકના પોલીસ મહાનિર્દેશક પ્રવીણ સૂદે રવિવારે ખુલાસો કર્યો હતો કે મૅન્ગલોરમાં પોલીસ સ્ટેશનની નજીક એક ચાલતી ઑટોરિક્ષામાં કુકરમાં છુપાવાયેલા વિસ્ફોટકોથી બ્લાસ્ટ થયો હતો. તેઓએ આ કૃત્યને ‘નુકસાન પહોંચાડવાના હેતુથી કરાયેલ આતંકવાદી કૃત્ય’ ગણાવ્યું હતું.

