પશ્ચિમ બંગાળની શૉકિંગ ઘટના : બન્ને વચ્ચે અફેર હતું, અશ્લીલ ફોટો દ્વારા ભત્રીજો બ્લૅકમેઇલ કરતો હોવાથી હત્યા કરી : જોકે હત્યા પૈસાના વિવાદને લીધે કરવામાં આવી હોવાની પોલીસને આશંકા
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં મૌમિતા હસન નદાબ નામની કાકીએ તેના ભત્રીજા સદ્દામ નદાબની હત્યા કરી તેના મૃતદેહના ત્રણ ટુકડા કરીને દાદરાની સિમેન્ટની દીવાલમાં ચણાવી દીધા હતા. મૌમિતાની ધરપકડ કરવામાં આવી છે.
વ્યવસાયે લેબર કૉન્ટ્રૅક્ટર એવો સદ્દામ નદાબ ૧૮ મેએ તેના સ્કૂટર પર ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો અને પછી ક્યારેય ઘરે પાછો ફર્યો નહોતો. તે માલદામાં તેની કાકી મૌમિતા હસન નદાબ સાથે રહેતો હતો. સદ્દામ નદાબ ગુમ થયા પછી તેના ઘરવાળાઓએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને તેમણે મૌમિતા સામે આરોપ મૂક્યો હતો.
ADVERTISEMENT
પોલીસે મૌમિતાની પૂછપરછ કરી ત્યારે તેણે શરૂઆતમાં પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું, પણ પછી ગુનો કબૂલી લીધો હતો. તેણે પોલીસને કહ્યું હતું કે તેણે સદ્દામની હત્યા કરી હતી, તેના શરીરના ત્રણ ટુકડા કર્યા હતા તથા દિનાજપુર જિલ્લાના તપન વિસ્તારમાં તેના પિતાના નિવાસસ્થાનના દાદરાની દીવાલમાં આ ટુકડા ચણાવી દીધા હતા. સોમવારે દાદરો તોડીને પોલીસે સદ્દામનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.
મૌમિતા નદાબે પોલીસને વધુમાં જણાવ્યું કે સદ્દામ અને તેની વચ્ચે પ્રેમસંબંધ થયો હતો અને સદ્દામ તેને અશ્લીલ ફોટો બતાવીને બ્લૅકમેઇલ કરી રહ્યો હતો, જેને કારણે તેણે તેની હત્યા કરી હતી.
જોકે પોલીસનું માનવું છે કે હત્યાનો વાસ્તવિક હેતુ નાણાકીય હોઈ શકે છે, કારણ કે સદ્દામ લેબર કૉન્ટ્રૅક્ટર હોવાથી લાખો રૂપિયા તેની પાસે રહેતા હતા. પોલીસને શંકા છે કે આ હત્યા પૈસાના વિવાદમાંથી થઈ હશે.
મૌમિતા હજી પણ કસ્ટડીમાં છે, જ્યારે પોલીસ કેસના સંદર્ભમાં તેના પતિની પણ પૂછપરછ કરી રહી છે.

